મનોરંજન

વનવાસ રિવ્યુઃ ફિલ્મ બાગબાનની નબળી આવૃતિ છે અનિલ શર્માની ‘વનવાસ’

2023માં અનિલ શર્માએ સની દેઓલ સાથે મળીને ‘ગદર 2’ નામની હિટ ફિલ્મ આપી હતી. આ ફિલ્મને દર્શકોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. ગદર ભાગ-1માં બે પ્રેમીઓની વાર્તા હતા. તો ગદર-પાર્ટ-2 પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની કહાની હતી, જેણે લોકોને જકડી રાખ્યા હતા.

હવે જ્યારે અનિલ શર્મા તેમની ફેમિલી ડ્રામા ફિલ્મ ‘વનવાસ’ લઇને આવ્યા છે, ત્યારે તેમની પાસેથી ઘણી અપેક્ષા છે. ‘વનવાસ’ આજે એટલે કે 20મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જેમાં નાના પાટેકર, ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર લીડ રોલમાં છે.

ફિલ્મની વાર્તા જોઇએ તો દીપક ત્યાગી (નાના પાટેકર)ની પત્નીનું અવસાન થયું છે. તેને ડિમેન્શિયા છે. એટલે કે તેમની વિચાર શક્તિ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. હવે તેમના ત્રણેય બાળકોને તેમના પિતા બોજ લાગવા લાગ્યા છે અને આ જ કારણ છે કે તેમના ત્રણ પુત્રો તેમના પિતાને બનારસ લઇ જાય છે અને ત્યાં તેમને છોડીને પાછા આવતા રહે છે. શું દીપક ત્યાગી તેમના પરિવાર સાથે ફરી મળી શકશે કે નહીં? આ જાણવા માટે તમારે થિયેટરમાં જઈને ‘વનવાસ’ જોવી પડશે.
ફિલ્મની વાર્તા આમ તો સારી છે, પણ તેમાં ખાસ કંઇ નવીનતા નથી. આવા જ મુદ્દા પર ભૂતકાળમાં અમિતાભ બચ્ચન – હેમા માલિની અભિનિત બાગબાન ફિલ્મ આવી ગઇ છે. આ ફિલ્મ તેની નબળી આવૃત્તિ જેવી લાગે છે.

અભિનયમાં નાના પાટેકરની એક્ટિંગ લાજવાબ છે. ડિરેક્ટર અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા એક બનારસી છોકરાનું પાત્ર ભજવી રહ્યો છે, પણ તે બનારસી છોકરા જેવો બિલકુલ નથી લાગતો. આ વાર્તામાં પોતાના પુત્રને હીરો બનાવવાનો અનિલ શર્માનો પ્રયાસ ફિલ્મને લઇ ડૂબે છે. નાના પાટેકરની બંને પુત્રવધુઓની એક્ટિંગ ઓવર છે. એક્શન પણચીલાચાલુ છે.

ફિલ્મમાં ક્યાંય નવીનતા નથી. ફિલ્મમાં જોવા માટે એવું કંઈ નથી જે દર્શકોએ તેમના પૈસા ખર્ચીને થિયેટરમાં જવું જોઈએ. જો આ ફિલ્મમાં નાના પાટેકરનું પાત્ર અને તેની આસપાસની વાર્તા કહેવામાં આવી હોત તો કદાચ તેને જોનારા લોકોએ ફિલ્મની મજા માણી હોત. જોકે, નટસમ્રાટ ફિલ્મના અભિનયની સરખામણીમાં નાના પાટેકરનો વનવાસનો અભિનય ફિક્કો લાગે છે. સિમરત કૌર સહિત તમામ કલાકારોએ તેમની ભૂમિકાઓને ન્યાય આપ્યો છે.

અનિલ શર્માએ ફિલ્મ વનવાસને બિરયાની બનાવવાની જગ્યાએ ખિચડી બનાવી દીધી છે. તમે આ ફિલ્મ નહી જોવા જાવ તોપણ તમને કંઇ ગુમાવવાનું નથી. ફિલ્મને માંડ 2.5 સ્ટાર રેટિંગ આપી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button