ધનશ્રી અને નતાશાના બચાવમાં કૂદી પડી હવે ઉર્ફી જાવેદ
ઉર્ફી જાવેદને કોઇ ઓળખની જરૂર નથી. પોતાની અવનવી ફેશનથી તેણે ઇન્ટરનેટ સેન્સેશનનું બિરૂદ મેળવેલું છે. સામાન્ય લોકોનું તો મગજ પણ ના ચાલે એવી અનોખી રીતે તે સ્ટાઇલ કરતી હોય છે. સેલિબ્રિટીઓ પણ તેની સ્ટાઇલમાંથી પ્રેરણા લેતા હોય છે. ફેશનની સાથે સાથે તે બોલવામાં પણ બિન્દાસ છે. તે ઘણી સ્પષ્ટવક્તા છે. કાણાને તેની સામે જ કાણો કહેવાની તેનામાં હિંમત છે અને એટલે જ કેટલીક વાર તે વિવાદોનો ભોગ બને છે. સોશિયલ મીડિયા પર હંમેશા ચમકતી રહેતી ઉર્ફી હાલમાં ક્રિક્ટરોની પત્નીની થતી ટ્રોલિંગ બદલ તેમને વહારે આવી છે.
હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર ક્રિકેટરોની પત્નીઓનું સમર્થન કર્યું છે. હકીકતમાં હાલમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે ડિવોર્સની અટકળો ચાલી રહી છે. આ કપલના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચા તેજીમાં છે. આ સમાચાર આવતા જ લોકોએ સોશિયલ મીડિયા પરધનશ્રી વર્માને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. વેલ, હજી મીડિયાને પણ ખબર નથી કે યુઝવેન્દ્ર અને ધનશ્રીના ડિવોર્સની અફવા સાચી છે કે ખોટી, પણ એની કોઇ સાબિતી મળે તે પહેલા જ લોકોએ આગળ પાછળ કંઇ પણ વિચાર્યા વિના ધનશ્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા માંડી છે. હવે ધનશ્રીના બચાવમાં આપણી ઉર્ફી જાવેદ આવી છે.
ઉર્ફીએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઇ પણ ક્રિકેટરના જીવનમાં કંઇ ઉથલપાથલ સર્જાય ત્યારે તેનો બધો દોષ ક્રિકેટર પત્નીઓ પર જ ઢોળી દેવામાં આવતો હોય છે. ક્રિકેટર આપણો હીરો છે. નતાશા અને હાર્દિકના કેસ દરમિયાન બંને વચ્ચે શું થયું હતું તે વિશે આપણામાંથી કોઈને પણ ખ્યાલ નથી, પરંતુ અલબત્ત તે સ્ત્રીની જ ભૂલ છે. લોકોને તો ખબર નથી હોતી કે ક્રિકેટરોના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે, પણ તેમને માત્રને માત્ર ક્રિકેટરોની પત્નીનો જ દોષ દેખાતો હોય છે. એમને એમ લાગે છે કે આટલા બધા પૈસા કમાઇને ક્રિકેટર પત્નીને લાઇફમાં જલસા જ તો કરાવે છે. તેઓને તો આરામથી લક્ઝરી લાઇફનો સેલિબ્રિટીજીવનનો આનંદ માણવાનો હોય છે, અને તેમ છતાં તેમને ડિવોર્સ લેવા છે. ઉર્ફીએ જણાવ્યું હતું કે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાસા વચ્ચે પણ કંઇક આવું જ બન્યું હતું અને ક્રિકેટર હાર્દિક માટે બધાને દિલસોજી થઇ હતી, જ્યારે તેની પત્નીને બધાએ ટ્રોલ કરી હતી. હવે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી સાથે પણ આવું જ થઇ રહ્યું છે. આપણો સમાજ કેટલો દંભી છે, તેનો આ પુરાવો છે. આપણા સમાજમાં મહિલાઓને જ દોષી ઠેરવવામાં આવે છે. વિક્રાંત (વિરાટ કોહલી)ના ખરાબ મેચ પ્રદર્શન માટે પણ લોકોએ અનુષ્કા શર્માને પણ દોષી ઠેરવી હતી. જોકે, અહીં ઉર્ફીની પેન લપસી હતી અને તેણે વિરાટ કોહલીને બદલે વિક્રાંત લખ્યું હતું.
હવે લોકોએ ઉર્ફીને તેના અધૂરા જ્ઞાન છતાં પણ દરેક બાબતમાં ચંચુપાત કરવાની આદત પર ટ્રોલ કરી છે. જોકે, ઘણાએ તેની સાચુ કહેવાની હિંમત માટે પ્રશંસા પણ કરી હતી.એક નેટિઝને લખ્યું હતું કે ઉર્ફીની વાત સાવ સાચી છે. ભારતીયોનો વ્યવહાર ઘણો જ ખોટો છે. તો બીજાએ લખ્યું હતું કે એક વિક્રાંત નામની ભૂલની બાદબાકી કરીએ તો ઉર્ફીની પોસ્ટ ઘણી જ મજેદાર હતી. તો કેટલાકે તો વળી એમ લખ્યું હતું કે જો આ લોકોને કોઇ પણ છેતરી જઇ શકે એવા છે તો પછી લોકોએ તેમની પૂજા કરવાનું બંધ કરવું જોઇએ.
આ પણ વાંચો…હાર્ટ એટેક નહીં પણ આ કારણે હોસ્પિટલમાં દાખલ થયા અભિનેતા Tiku Talsania, પત્નીએ આપી માહિતી…
વેલ, ઉર્ફીની આ પોસ્ટ વિશે તમારું શું માનવું છે એ અમને કમેન્ટ બૉક્સમાં જરૂરથી લખી મોકલજો.