ધર્મ પરિવર્તન અંગે ઉર્ફી જાવેદે મૌન તોડ્યું, કહ્યું હું નાસ્તિક છું….

મુંબઈ: પોતાની અતરંગી ફેશન સ્ટાઇલ માટે જાણીતી ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે, પરંતુ આ વખતે વિવાદ કપડાંનો નહીં પણ તેના ધર્મ અને ઓળખનો છે. સોશિયલ મીડિયા પર ઉર્ફીને તેના ધર્મને લઈને સતત ટ્રોલ કરવામાં આવી રહી હતી, જે બાદ એક્ટ્રેસે હવે મૌન તોડ્યું છે. ઉર્ફીએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે તે કોઈ પણ ધર્મમાં માનતી નથી. ધર્મના નામે થઈ રહેલા વિવાદો વચ્ચે ઉર્ફીની આ સ્પષ્ટતાએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફેઝાન અન્સારીએ એક સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે, ઉર્ફીને મુસ્લિમ સમુદાયે ઇસ્લામમાંથી બહાર કરી દીધી છે અને તેનું નામ બદલીને ‘ગીતા ભારદ્વાજ’ કરી દેવામાં આવ્યું છે. આ દાવાઓ પર પ્રતિક્રિયા આપતા ઉર્ફીએ તેને સદંતર ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું કે, “મેં વર્ષો પહેલા જ ધર્મ છોડી દીધો છે. હવે આ લોકો શા માટે આવી વાતો બનાવી રહ્યા છે તે સમજાતું નથી. મારું નામ બદલવાના સમાચારમાં કોઈ સત્ય નથી.”
પોતાના મંતવ્યો રજૂ કરતા ઉર્ફીએ આગળ જણાવ્યું કે તે અત્યારે કોઈ પણ ધર્મને અનુસરતી નથી અને તે ‘નાસ્તિક’ (Atheist) છે. તેણે ફેઝાન અન્સારી પર કટાક્ષ કરતા પૂછ્યું કે, “જો હું કોઈ સમુદાય કે ધર્મનો ભાગ જ નથી, તો તમે મને તેમાંથી બહાર કેવી રીતે કાઢી શકો? જે વ્યક્તિ ક્યાંય જોડાયેલી જ નથી, તેને ક્યાંથી કાઢશો?” ઉર્ફીએ પોતે ધર્મથી મુક્ત હોવાની વાત પર ભાર મૂક્યો હતો.
બીજી તરફ, ફેઝાન અન્સારીએ એક વીડિયો જાહેર કરીને ઉર્ફી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અન્સારીએ દાવો કર્યો હતો કે ઉર્ફી સતત મુસ્લિમ સમુદાયનું અપમાન કરી રહી છે અને તે પોતે જ કહે છે કે તેને કુરાન કે ઇસ્લામમાં વિશ્વાસ નથી. અન્સારીના મતે, ઉર્ફીના કૃત્યોને કારણે આખો સમુદાય બદનામ થઈ રહ્યો છે, તેથી મુસ્લિમ સમુદાયે તેને અલગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે ઉર્ફીને ખૂબ જ નકારાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર મામલે ઇન્ટરનેટ પર બે ફાંટા પડી ગયા છે. કેટલાક લોકો ઉર્ફીના અંગત વિચારધારાનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેની ફેશન અને ધર્મ પ્રત્યેના વલણને કારણે તેની ટીકા કરી રહ્યા છે. હાલમાં તો ઉર્ફીએ આ વિવાદને “પબ્લિસિટી સ્ટંટ” ગણાવીને ફગાવી દીધો છે, પરંતુ ધર્મના નામે થઈ રહેલી આ ખેંચતાણ હજુ ચાલુ છે.



