ફાયરિંગના દિવસે દિશા પટણીના ઘરે કોનો કોલ આવ્યો હતો, જાણો પોલીસે શું કહ્યું?

બરેલી: બોલીવુડની અભિનેત્રી દિશા પટણીના નિવાસસ્થાને ફાયરિંગની ઘટના સામે આવી હતી. 12 સપ્ટેમ્બરની રાત્રે 3 વાગ્યે અજાણ્યા હુમલાખોરો હેલ્મેટ પહેરીને આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાથી દિશા પટણીની પરિવાર અને પડોશીઓ તથા આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ હતો. જોકે, ફાયરિંગના બીજા દિવસે એક અજાણ્યા નંબરથી દિશા પટણીના ઘરે કોલ આવ્યો હતો. જેમાં કોઈ પાર્સલ અંગે વાત કરવામાં આવી હતી. આ પાર્સલમાં શું હતું તે અંગે બરેલી પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
અજાણ્યો કોલ કરનાર કોણ હતો?
ફાયરિંગના દિવસે એટલે કે 12 સપ્ટેમ્બરે સવારે સાત વાગ્યે દિશા પટણીની માતા પદમા પટણીના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે, તેમની પાસે એક પાર્સલ આવ્યું છે. એક તરફ પરિવાર ગોળીબારને લઈને ચિંતામાં હતો અને બીજી તરફ આ રીતે આવેલા અજાણ્યા કોલે પરિવારને વધુ ડરાવી દીધો હતો. બરેલી પોલીસે આ અજાણ્યા શંકાસ્પદ નંબરની તપાસ હાથ ધરી હતી.
અજાણ્યો નંબર કોનો છે અને તે ક્યાંથી ઓપરેટ થઈ રહ્યો છે? તેની શોધખોળમાં પોલીસને બે દિવસનો સમય લાગ્યો હતો. બે દિવસની તપાસના અંતે બરેલી પોલીસની એસઓજી ટીમ રાજસ્થાનના ભરતપુર ખાતે પહોંચી હતી. જ્યાં તેઓને માલુમ પડ્યું હતું કે, કોલ કરનાર યુવાન પાગલ હતો. ભરતપુર પોલીસે બરેલી એસઓજીની ટીમને જણાવ્યું કે, આ યુવાન અગાઉ પણ ઘણીવાર અજાણ્યા નંબર પર કોલ કરી ચૂક્યો છે. જેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હુમલાખોરોની શોધખોળ ચાલુ
ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર રોહિત ગોદારા ઉર્ફે ગોલ્ડી બ્રારે દિશા પટણીના બરેલી સ્થિત નિવાસસ્થાને થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જેના માટે દિશા પટણીની બહેન ખુશ્બૂ પટણી દ્વારા પ્રેમાનંદ મહારાજ અને અનિરૂદ્ધાચાર્ય મહારાજના અપમાનને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું. જોકે, હુમલાખોરો કોણ હતા? તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિશા પટણીના પરિવારને સુરક્ષાની બાંયધરી આપી છે.
આ પણ વાંચો…દિશા પટણી ઘર પર ગોળીબાર: યોગી આદિત્યનાથે પિતા સાથે ફોન પર વાત કરી, કહ્યું આખો પ્રદેશ…