‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ પર સુપ્રીમનો સ્ટે યથાવત્: 6 કટ્સ સૂચવાયા, રિલીઝ અટકી…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ-કન્હૈયા લાલ ટેલર મર્ડર’માં છ કાપ મૂકવાનું સૂચન કર્યું છે. આ જાણકારી કેન્દ્રએ વડી અદાલતને આપી હતી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની ખંડપીઠને જણાવ્યું કે મારા અંગત મત મુજબ સક્ષમ અધિકારી દ્વારા સૂચવવામાં આવેલા સૂચનો સિવાયની કોઇપણ આગળની કાર્યવાહી કલમ ૧૯નું ઉલ્લંઘન હશે. મેં આદેશ વાંચી લીધો છે. વડી અદાલતે મેહતાને આદેશ રેકોર્ડ પર મૂકવા કહ્યું હતું.
ફિલ્મ નિર્માતાઓ વત્તી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટીએ રજૂઆત કરી હતી કે કેન્દ્ર તેના સુધારણા અધિકારક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે અને ફિલ્મના દ્રશ્યોમાં છ કાપ મૂકવાની ભલામણ કરી છે અને તેનું પાલન કરવામાં આવ્યું છે. ન્યાયાધીશ કાંતે ભાટિયાને કહ્યું કે ફિલ્મ નિર્માતાઓએ દ્રશ્યો કાપવાના નિર્દેશોનું પાલન કરવું પડશે, સિવાય કે તેઓ આદેશને પડકારવા માંગતા હોય.
ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતાં આરોપી મોહમ્મદ જાવેદ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મેનકા ગુરૂસ્વામીએ જણાવ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ મુદ્દે પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી વચગાળાનો સ્ટે ચાલુ રહેવો જોઇએ.
ખંડપીઠે આગામી આદેશો સુધી સ્ટે યથાવત રાખ્યો હતો અને સુનાવણી ૨૪ જુલાઇ સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે ૧૬ જુલાઇના રોજ ફિલ્મ નિર્માતાઓને કહ્યું હતું કે તેઓ ફિલ્મ સામેની આરજીઓ સાંભળવા માટે નિયુક્ત પેનલના નિર્ણયની રાહ જુએ.
નોંધનીય છે કે ઉદયપુરના દરજી કન્હૈયા લાલની જૂન ૨૦૨૨માં મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસે દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ એનઆઇએ દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓ પર આઇપીસીની કલમો ઉપરાંત કડક ગેરકાયદેસર પ્રવૃતિઓ નિવારણ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ જયપુરની વિશેષ એનઆઇએ કોર્ટમાં પેન્ડિંગ છે.
આ પણ વાંચો…‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પ્રતિબંધ મૂકવાની માગણી કરી…