‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પ્રતિબંધ મૂકવાની માગણી કરી…

મુંબઈ: દેશમાં ફિલ્મોને લઈને અવારનવાર વિવાદ થતા રહે છે. ગત મહિને ‘સરદારજી 3’ ફિલ્મને લઈને વિવાદ થયો હતો. હવે આ મહિને 11 જુલાઈના રોજ રિલીજ થનારી ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના કારણે નવો વિવાદ ઊભો થયો છે. કેટલાક ઈસ્લામિક સંગઠનો અને રાજકીય પક્ષો આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે.
સત્યઘટના આધારિત છે ‘ઉદયપુર ફાઇલ્સ’
2022માં રાજસ્થાનના ઉદયપુર ખાતે બે ઈસ્લામવાદી હુમલાખોરોએ કનૈયા લાલ નામના દરજીનું ગળું કાપી તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મ આ હત્યાકાંડ પર આધારિત છે, જે 11 જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ રિલીઝ થાય એના પહેલા જ જમિયત ઉલેમા-એ-હિંદ અને જમાત-એ-ઇસ્લામી નામના સંગઠનોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે સાથો સાથ હવે સમાજવાદી પાર્ટી (સપા)એ પણ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે.
‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મ નફરત ફેલાવશે
રાજસ્થાનના પ્રખ્યાત કન્હૈયાલાલ ટેલર હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’નો વિવાદ સતત વધી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગણી જોર પકડી રહી છે. આ ફિલ્મ 11 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે અને ઘણા સંગઠનો તેની રિલીઝનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં જ જમિયત ઉલેમા-એ-હિંદ અને જમાત-એ-ઇસ્લામીએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી અને હવે સમાજવાદી પાર્ટીએ પણ તેની સામે વાંધો વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય અબુ આઝમીએ વિધાનસભામાં ‘ઉદયપુર ફાઇલ્સ’નો મુદ્દો ઉઠાવ્યો હતો અને ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

સમાજવાદી પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય અબુ આઝમીએ વિધાનસભામાં ‘ઉદયપુર ફાઇલ્સ’નો મુદ્દો ઉઠાવી તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સપા મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ અને ગોવંડીના ધારાસભ્ય અબુ આઝમીએ ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ અંગે જણાવ્યું હતું કે, “આ ફિલ્મ દ્વારા નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આ ફિલ્મ રિલીઝ થાય છે તો કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ઉભો થઈ શકે છે, તેથી આ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.”
ફિલ્મની રિલીઝ રોકવા દિલ્હી હાઈ કોર્ટમાં અરજી
સમાજવાદી પાર્ટી સિવાય જમિયત ઉલેમા-એ-હિંદ નામના સંગઠને પણ ફિલ્મની રિલીજ રોકવાની માંગ કરી છે. સંગઠનના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ પણ ‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ રોકવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરેલી અરજીમાં ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મ પર સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતો હોવાનો તથા તેમાં વાંધાજનક દ્રશ્યો દર્શાવવાનો આરોપ મૂક્યો હતો. સાથોસાથ તેમણે સોશિયલ મીડિયા પરથી આ ફિલ્મનું ટ્રેલર હટાવવાની પણ માંગ કરી હતી.
શા માટે થઈ હતી કનૈયાલાલ દરજીની હત્યા?
ઉલ્લેખનીય છે કે 2022માં જ્ઞાનવાપી મસ્જિદના સંશોધનને લઈને ભાજપની પ્રવક્તા નુપુર શર્માએ વિવાદિત નિવેદન આપ્યું હતું. ઉદયપુરના દરજી કનૈયા લાલ સાહુએ નુપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેથી મુહમ્મદ રિયાઝ અટારી અને ગૌસ મોહમ્મદ નામના બે શખસ કનૈયાલાલની દુકાને ગ્રાહક બનીને ગયા હતા અને તેની હત્યાને અંજામ આપ્યો હતો. જેનો વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.