સુશાંત સિંહ રાજપૂત-દિશા સાલિયન કેસમાં ટ્વીસ્ટઃ આદિત્યએ કોર્ટને કરી વિનંતી કે…
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ખૂબ જ વિવાદાસ્પદ મૃત્યુના કેસમાં તેની મેનેજર દિશા સાલિયનની કથિત આત્મહત્યા કે હત્યા પણ વિવાદનું કેન્દ્ર બની હતી. આ બન્નેને જોડવામાં આવ્યા હતા અને તેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને તે સમયના કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરેની કથિત સંડોવણીની ચર્ચાએ જોર પકડ્યું હતું. તે સમયે મોટો ખળભળાટ સર્જનાર આ કેસ ફરી ચર્ચામા આવ્યો છે. આ કેસ સંદર્ભે કોર્ટમાં એક અરજીથઈ છે ત્યારે આદિત્ય ઠાકરેએ કેવિયેટ દાખલ કરી છે.
દિશા સાલિયન મૃત્યુ કેસની તપાસ હજી પૂરી થઈ નથી. દિશાનું મૃત્યુ જે સમયે થયું હતું તે સમયે આદિત્ય ઠાકરેનો મોબાઈલ પણ એ જ વિસ્તારમાં શું કરી રહ્યો હતો એવો સવાલ પણ અરજદારે કર્યો હતો. પોતાના નજીકના સંબંધીનું મૃત્યુ થયું હોવાનો આદિત્યનો દાવો પણ ખોટો હોવાનું રાશિદ ખાન પઠાણે કહ્યું હતું. આથી આદિત્યએ કોર્ટને ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ થયો છે તેમ જ આ કેસમા ફરી તેની પૂછપરછ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
હવે આ કેસમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ હાઈ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. આ કેસમાં કોઈ નિર્ણય લેતા પૂર્વે પોતાની બાજુ સાંભળવાની માગણી આદિત્ય ઠાકરેએ કરી છે.
રાજપૂત અને સાલિયનની આત્મહત્યા કેસમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની તપાસ કરવાની માગણી કરતી અરજી રાશિદ પઠાણે કરી છે. આ કેસમાં આદિત્યની ધરપકડ કરીને તપાસ કરવાની માગણી કરાઈ છે. આથી હવે આદિત્યએ કેવિએટ દાખલ કરી છે.
મળતી માહિતી અનુસાર અરજીમાં જણાવાયું છે કે આઠ જૂન ૨૦૨૦ના રોજ સાલિયન, આદિત્ય ઠાકરે, રાહુલ કનાલ, સૂરજ પાંચોલી, સચિન વાઝે, એકતા કપૂરના મોબાઈલ લોકેશન તપાસવામાં આવે કેમ કે તે રાત્રે બધા ૧૦૦ મીટરના પરિસરમાં સાથે હતા. ૧૩ અને ૧૪ જૂન ૨૦૨૦ના રોજ રાજપૂત, રિયા ચક્રવર્તી, આદિત્ય ઠાકરે, અરબાઝ ખાન, સંદીપ સિંહ, શૌવિક ચક્રવર્તી આ બધાના લોકેશન તપાસવામાં આવે. તેમ જ બે દિવસની આસપાસના પરિસરમાં આદિત્ય ઠાકરે સંબંધીત બધા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે. 14મી જૂને સાંજે સુશાંત તેના બાન્દ્રાના નિવાસસ્થાનેથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.
સુશાંતનું મૃત્યુ થયું એ દરમ્યાન આદિત્ય ઠાકરે અને રિયા ચક્રવર્તી વચ્ચે ૪૪ વાર શું વાતચીત થઈ ? એની તપાસ કરવામાં આવે. સુશાંત અને દિશાના મૃત્યુ પર સવાલ ઉઠાવનારા સર્વ સાક્ષીના પુરાવાની સઘન તપાસ કરવામાં આવે.
દરમ્યાન આદિત્ય ઠાકરેના નિકટવર્તી ગણાતા રાહુલ કનાલે શિંદે જૂથમાં પ્રવેશ કર્યો છે. સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયન કેસની ફાઈલ ફરી ઓપન કરીને સઘન તપાસની માગણી કનાલે કરી હોવાનું જાણવા મળ્યું છે. સાલિયન કેસમા કાર્યવાહી ટાળવા તેણે શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હોવાની ટીકા થઈ હતી. તેને જવાબ આપવા કનાલે સઘન તપાસની માગણી કરી હતી.