લોકો મારું હનીમૂન ગોઠવે એની રાહ જોઉ છું: ત્રિશા કૃષ્ણને લગ્નની અફવાને ફેલાવનાર પર કર્યો કટાક્ષ…

મુંબઈ: દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ફરી એકવાર તેના ફિલ્મી કરિયર કરતાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. છેલ્લા બે દાયકાથી તમિલ અને તેલુગુ સિનેમામાં સફળ કારકિર્દી ધરાવતી ત્રિશા ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. એવી વાતો છેલ્લા એક-બે દિવસોથી મીડિયામાં વહેતી થઈ હતી. પરંતુ હવે આ બાબતને લઈને ત્રિશા કૃષ્ણને ખુલાસો કર્યો છે.
લોકો મારા જીવનની યોજના બનાવે છે
થોડા દિવસો પહેલા મીડિયા સૂત્રો જણાવી રહ્યા હતા કે, અભિનેત્રી ત્રિશા કૃષ્ણનના માતા-પિતાએ ચંદીગઢ સ્થિત એક ઉદ્યોગપતિ સાથેના તેના લગ્ન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ત્રિશા અને ઉદ્યોગપતિના બંને પરિવારો લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. જોકે, ત્રિશા સાથે પરણનાર ઉદ્યોગપતિ કોણ છે? એનો કોઈએ ખુલાસો કર્યો ન હતો. એવા સમયે અભિનેત્રી ત્રિશા કૃષ્ણને પોતાના લગ્નની વાતને અફવા ગણાવી છે.

ત્રિશા કૃષ્ણને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટોરી પોસ્ટ કરીને તેના લગ્નની અફવા પર પૂર્ણવિરામ મૂક્યું છે. ત્રિશા કૃષ્ણને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે, “જ્યારે લોકો મારા જીવનની યોજના બનાવે છે, ત્યારે મને ગમે છે. હું રાહ જોઈ રહી છું કે તેઓ મારું હનીમૂન ક્યારે ગોઠવે છે.”
હજી લગ્નનો યોગ્ય સમય આવ્યો નથી
આમ, ત્રિશા કૃષ્ણને પોતાના ઉદ્યોગપતિના લગ્ન નક્કી થયા અંગેની અફવા ફેલાવનારા લોકો પર કટાક્ષ કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ત્રિશા કૃષ્ણને પોતાના લગ્ન વિશે જણાવ્યું હતું કે, “જો મને યોગ્ય વ્યક્તિ મળશે, તો હું ચોક્કસપણે લગ્ન કરીશ, પરંતુ મને લાગે છે કે હજી યોગ્ય સમય આવ્યો નથી.”
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 માં, ત્રિશા કૃષ્ણને ઉદ્યોગપતિ વરુણ મનિયન સાથે સગાઈ કરી હતી, પરંતુ થોડા મહિનાઓમાં જ આ સંબંધ તૂટી ગયો હતો. ફિલ્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રિશા લગ્ન પછી પણ અભિનય ચાલુ રાખવા માંગતી હતી, જેના કારણે બંને વચ્ચે મતભેદો સર્જાયા હતા. સગાઈ તૂટ્યા બાદ ત્રિશાએ પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આ પણ વાંચો…ઓછાબોલા કમલ હાસને ડબલ મિનિંગ જોક કરતા નેટીઝન્સ ભડક્યા, જાણો કેવા છે રિએક્શન્સ