માર્ગ અકસ્માતમાં ઘવાયેલી મહિલાને 29.39 લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2018માં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી 50 વર્ષની ગુજરાતી મહિલાને 29.39 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
એમએસીટીના સભ્ય એસ.એન. શાહે 18 માર્ચે આપેલા આદેશમાં થાણે સ્થિત બસ માલિક અને વીમા કંપનીને અરજી દાખલ કર્યાની તારીખથી વાસ્તવમાં વળતર પ્રાપ્ત થાય ત્યાં સુધી વાર્ષિક 8 ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા. બસ વીમા કંપનીને વાહનના માલિક પાસેથી રકમ વસૂલવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
મુંબઈમાં રહેતી હેમા કાંતિલાલ વાઘેલા 31 ડિસેમ્બર, 2017ના રોજ તેના મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે ખાનગી ટ્રાવેલ કંપની પાસેથી ભાડે લીધેલી બસમાં મુસાફરી કરી રહી હતી. 1 જાન્યુઆરી, 2018ની વહેલી સવારે દક્ષિણ મુંબઈના નરીમન પોઇન્ટથી પેડર રોડ થઇને પાછા ફરતી વખતે બસ ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે બસ બિલ્ડિંગના ગેટ સાથે અથડાઇ હતી.
આપણ વાંચો: Odisha ના કટક નજીક રેલવે અકસ્માત, કામાખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતર્યા…
આ અકસ્માતમાં હેમા વાઘેલાને ગંભીર ઇજા પહોંચતાં તેને જસલોક હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જ્યાં તેની લાંબી સારવાર ચાલી હતી, એમ અરજદારના વકીલ બલદેવ રાજપૂતે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું.
આ અકસ્માત બાદ બસ ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હેમા વાઘેલાએ મોટર એક્સિડન્ટનો દાવો દાખલ કરી 53.95 લાખ રૂપિયાના વળતરની માગણી કરી હતી. તેણે જણાવ્યું હતું કે અકસ્માત સમયે તે કંપનીમાં ક્ધસલટન્ટ તરીકે કામ કરતી હતી અને માસિક 85,088 રૂપિયા કમાતી હતી.
આપણ વાંચો: મુંબઈના ડીસીપી સુધાકર પઠારેનું હૈદરાબાદ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ…
બસ ડ્રાઇવર સામે એકતરફી કેસ ચાલ્યો હતો અને બસ ઇન્શ્યૂરન્સ કંપનીએ દાવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે અકસ્માત સમયે ડ્રાઇવર પાસે પ્રમાણિત ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. બસનું પ્રમાણિત ફિટનેસ સર્ટિફિકેટ અને રૂટ પરમિટ પણ નહોતાં, જે વીમા પોલિસીના નિયમોનું ઉલ્લંઘન હતું. વળી મહિલાને ઇજાઓથી કાયમી વિકલાંગતા ઉદ્ભવી નથી, એવો દાવો પણ વીમા કંપની દ્વારા કરવામાં આવ્યો હતો.
ટ્રિબ્યુનલે તબીબી રેકોર્ડસ અને નિષ્ણાતોની જુબાની પર આધાર રાખીને અરજદારના દાવાને આંશિક સ્વીકાર્યો હતો. મહિલાને 10 માર્ચ, 2019ના રોજ વિકલાંગતા પ્રમાણપત્ર અપાયું હતું, જેમાં અરજદારને 30 ટકા કાયમી આંશિક વિકલાંગતા હોવાનો સંકેત અપાયો હતો.
ટ્રિબ્યુનલે જોકે એવી નોંધ કરી કે ડોક્ટરનો અભિપ્રાય ફક્ત પગ અને સાંધા માટે છે. આથી આખા શરીરને વિકલાંગતા નિશ્ર્ચિત જ ઓછી છે. આ સાથે વિકલાંગતા 20 ટકા હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. (પીટીઆઇ)