‘મિસરી’ ફિલ્મના પ્રમોશનમાં ઉડ્યા ટ્રાફિક નિયમોના ધજાગરા: કલાકારોના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ

અમદાવાદ: સામાન્ય લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે, પરંતુ હવે ગુજરાતી ફિલ્મના કલાકારો પણ અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કરતા જોવા મળ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ના પ્રમોશન દરમિયાન કેટલાક કલાકારો દ્વારા બાઈક પર જીવના જોખમે સ્ટંટબાજી કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ વીડિયોને લઈને પોલીસ બની ફરિયાદી
વાયરલ વીડિયોમાં ગુજરાતી ફિલ્મના કલાકારો હેલ્મેટ પહેર્યા વિના જાહેર રોડ પર બાઈક ચલાવીને સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. વીડિયોમાં અભિનેતા ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને અભિનેત્રી માનસી પારેખ સહિત અન્ય કલાકારો પણ જોવા મળ્યા હતા. ફિલ્મના પ્રમોશન માટેની આ સ્ટંટબાજી અમદાવાદના સાયન્સ સિટી રોડ પર કરવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઈને પોલીસે જાતે ફરિયાદી બનીને કાર્યવાહી હાથ ધરી હતી.
વાયરલ વીડિયોને લઈને પોલીસે જણાવ્યું હતું કે, સ્ટંટ માટે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવી નહોતી. જાહેર રસ્તા પર આવા સ્ટંટ અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકે છે અને તે કાયદેસર ગુનો છે. ઘટનાની જાણ થતાં જ એ-ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
કલાકારો પોલીસ સમક્ષ હાજર થયા
પોલીસ ફરિયાદને લઈને અભિનેતા ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી એ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસ દ્વારા બંનેનું નિવેદન લેવામાં આવ્યું હતું. પોલીસે ‘મિસરી’ ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોનીનું નિવેદન પણ નોંધ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં દેખાતા અન્ય ત્રણ સ્ટંટબાજ યુવાનોની ઓળખ પણ કરવામાં આવી છે. પોલીસે ખુલ્લી જીપ અને બે બાઈકના નંબર ટ્રેસ કરીને વધુ તપાસ ચાલુ રાખી છે. જો કે, જોખમી સ્ટંટ કરવા બદલ અત્યારસુધી ઘણા લોકો પાસે ગુજરાત પોલીસે માફી મંગાવીને After અને Beforeનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. આ કલાકારોની માફીના વીડિયો ક્યારે આવશે? તેના પર સૌની નજર છે.
આપણ વાંચો: ક્વીન ઑફ એલિગન્સ ઈશા અંબાણીના બર્થડે આઉટફિટની કિંમત જાણીને ચોંકી ઉઠશો…



