‘ટોઈલેટ એક પ્રેમકથા’ ફેમ અભિનેત્રી ‘ઓટીટી’માં ડેબ્યૂ કરશે, લેડી કોપના રોલમાં જોવા મળશે

મુંબઈ: ટોઈલેટ એક પ્રેમકથા ફિલ્મની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ફિલ્મોમાં આઇકોનિક અને વિશેષ રોલ કરવા માટે જાણીતી છે. અન્ય અભિનેત્રીઓની જેમ ભૂમિ પણ હવે ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. જાણીતા ઓટીટી પ્લેટફોર્મ પર ‘દલદલ’ આ ક્રાઇમ થ્રીલર ડ્રામા વેબ સિરીઝમાં ભૂમિએ પોલીસના રોલમાં ખૂંખાર સિરિયલ કિલરનો પીછો કરતી જોવા મળશે.
અમ્રિત રાજ ગુપ્તા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સીરિઝ જાણીતા લેખકના પુસ્તક ‘ભેંડી બાઝાર’ આધારિત છે, જેમાં ભૂમિ પેડનેકર રીટા ફરેરા નામના ડીસીપીનું પાત્ર ભજવશે. આ વેબ સિરીઝનું ટ્રેલર હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. મુંબઈમાં નવા એપોઈન્ટ કરાયેલા ડીસીપીના રોલમાં ભૂમિ હશે, જે તેની કારકિર્દીમાં બનેલી ઘટનાને લઈને ચિંતામાં રહીને સિરિયલ કિલરના કેસને સોલ્વ કરશે.
ભૂમિ તેના ઓટીટી ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહી છે. તેણે કહ્યું હતું કે છેલ્લે મેં ‘ભક્ષક’ નામની ક્રાઇમ થ્રીલર ફિલ્મમાં કામ કર્યું હતું, જેથી દલદલ’માં મને પોલીસ ઓફિસરનો રોલ ભજવવા માટે મુશ્કેલી નહીં આવે અને હું મારા પાત્ર સાથે ન્યાય કરી શકીશ. ‘દલદલ’ની ટીમને હું થેન્કયુ કહેવા માગું છું કે તેમણે મને અનેક ચેલેન્જેસથી ભરપૂર સીરિઝનો ભાગ બનવાનો મોકો આપ્યો.
ભૂમિએ કહ્યું હતું કે મને અનેક વખત પોલીસ ઓફિસરના રોલ મળ્યા હતા અને આ પાત્ર મારી માટે એક યાદગાર બનશે. ડીસીપી રીટા ફરેરાનું પાત્ર એક જટિલ, સંઘર્ષિત અને અનેક લેયરનું મિશ્રણ છે, જેથી મને તે ભજવવામાં મજા આવશે.