TMKOC લવર્સ માટે ગુડ ન્યુઝ, ગોકુલધામમાં ફરી ગૂંજી ઉઠશે સુનતે હો ટપ્પુ કે પાપા…

ટીવીના લોકપ્રિય અને દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહેલા શોની વાત કરીએ તો તે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. નાનાથી લઈને મોટા તમામને આ શો ખૂબ જ પસંદ આવે છે. હવે આ શોના ફેન્સ માટે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. લાંબા સમયથી દર્શકો શોમાં દયાબેનની એન્ટ્રીની રાહ જોઈ રહ્યા હતા અને હવે રક્ષાબંધન પર ખુદ શોના મેકર આસિત કુમાર મોદી દયાબેન એટલે કે દિશા વાકાણી સાથે જોવા મળ્યા હતા, એટલે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હવે કદાચ શોમાં દયાબેનની વાપસી થશે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી-
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર આસિત મોદી રક્ષાબંધનના દિવસે દિશા વાકાણી એટલે કે આપણા સૌના લાડકા દયાબેનના ઘરે પહોંચી ગયા હતા અને તેમની પાસેથી રાખડી પણ બંધાવી હતી. ખુદ આસિત મોદીએ આ વાતની જાણકારી વીડિયો શેર કરીને આપી હતી.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળે છે કે આસિત મોદી દયાબેનના ઘરે ગયા છે, જ્યાં દયાબેનનો પરિવાર પણ હાજર હતો. આ દરમિયાન દયાબેન આસિત મોદીને તિલક લગાવી, આરતી ઉતારીને રાખડી બાંધે છે. ત્યાર બાદ તેઓ તેમનું મોઢું પણ મીઠું કરાવે છે અને બંને એકબીજાને પગે લાગે છે.
આસિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર આ મુલાકાત અને સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે કેટલાક સંબંધો ભાગ્ય ચમકાવે છે, લોહીના નહીં પણ દિલના સંબંધો હોય છે. તે મારા માટે માત્ર દયાભાભી નહીં પણ મારી બહેન પણ છે. વર્ષોથી હાસ્ય, યાદો અને પોતિકાપણુ વહેચતો આ સંબંધ સ્ક્રીનથી ખૂબ જ આગળ વધી ગયો છે. આ રક્ષાબંધન પર એ જ અટૂટ ભરોસો અને પોતિકાપણું અનુભવાયું. આ બંધન હંમેશા આમ જ પોતાની મિઠાશ અને મજબૂતી સાથે ટકી રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ લગ્ન બાદ 2017માં દીકરીને જન્મ આપ્યો અને ત્યારે જ તેઓ શોમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદથી તેઓ શોમાં ક્યારેય પાછા નથી ફર્યા. દરેક પ્રસંગે દયાબેનના ફેન્સ એમને મિસ કરે છે અને સોશિયલ મીડિયા પર એમના માટે પોસ્ટ પણ કરે છે. લાંબા સમયથી ફેન્સ તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે અનેક વખત એવા સમાચાર પણ આવ્યા કે દયાબેન શોમાં પાછા ફરી રહ્યા છે, પણ એવું થઈ શક્યું નહીં. આ સમયે પણ ફેન્સ એવી આશા રાખી રહ્યા છે કે હવે તો દયાબેન ગોકુલધામમાં પાછા ફરે…
આપણ વાંચો: અભિષેક-ઐશ્વર્યા ફેમિલી ટ્રિપથી પાછા ફર્યાઃ આરાધ્યા ખુશખુશાલ…