હવે ટીકુ તલસાણિયાની તબિયત કેમ છે, રશ્મિ દેસાઈએ આપી હેલ્થ અપડેટ!
મુંબઇઃ બોલીવુડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા અને કોમેડી સ્ટાર ટીકુ તલસાણિયા હાલમાં મુંબઇની અંધેરી ખાતે આવેલી કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હૉસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે એક ગુજરાતી ફિલ્મના સ્ક્રિનીંગ દરમિયાન તેમને હાર્ટએટેકનો હુમલો આવતા તત્કાળ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.
જોકે, બાદમાં તેમની પત્નીએ સ્પષ્ટતા કરી હતી કે ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક નહીં પણ ‘બ્રેન સ્ટ્રોક’નો હુમલો આવ્યો હતો. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને તેમના જલદીથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા લાગ્યા હતા. આજે અભિનેત્રી રશ્મિ દેસાઇએ તેમના હેલ્થ અંગે નવી જાણકારી આપી હતી.
આપણ વાંચો: EDના રડાર પર ટીવી જગતની આ બે જાણીતી બહેનો, કરણ વાહી પણ ફસાયો, જાણો કારણ
મળતી માહિતી મુજબ શુક્રવારે ટીકુ તલસાણિયા ગુજરાતી ફિલ્મ ‘મોમ તને નહીં સમજાય’ના સ્ક્રિનિંગમાં પહોંચ્યા હતા. આ ફિલ્મના સ્ક્રિનિંગમાં તેમની મુલાકાત રશ્મિ દેસાઇ સાથે થઇ હતી. હવે રશ્મિ દેસાઇએ તેમની હેલ્થ સંબંધિત માહિતી બધા સાથે શેર કરી છે.
રશ્મિએ જણાવ્યું છે કે મને માહિતી મળી છે કે ટીકુજીને હવે જોખમ જણાતું નથી. અલબત્ત, હાલમાં ચિંતા કરવાનું કોઇ કારણ નથી. તેઓ તેમના પરિવારજનોની નજીક છે અને હાલમાં રિકવર થઇ રહ્યા છે. રશ્મિએ એમ પણ જણાવ્યું હતું કે અત્યારનો નાજુક સમય છે, તેથી ટીકુજીના પરિવારજનોને મેસેજ કરવાનું કે તેમને ડિસ્ટર્બ કરવાનું તેને યોગ્ય નથી લાગતું.
રશ્મિએ એમ પણ જણાવ્યું હતું કે ફિલ્મના સ્ક્રિનીંગ સમયે જ્યારે તે ટીકુજીને મળી હતી ત્યારે તેઓ એકદમ સ્વસ્થ હતા. ત્યાર બાદ ટૂંક સમયમાં જ એક વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે તેમને અસ્વસ્થતા અનુભવાઇ હતી. તેમણે તે વ્યક્તિને કહ્યું કે તેમને સારુ નથી લાગી રહ્યુ.
આપણ વાંચો: ટીવી જગતની જાણીતી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાઈ
ત્યાર બાદ તેમને હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. રશ્મિ દેસાઇને મળ્યાના માંડ પંદરેક મિનિટ બાદ આ ઘટના બની હતી. જોકે, રશ્મિ દેસાઈએ વધુમાં કહ્યું હતું કે ટિકુ તલસાણિયાની તબિયત સારી છે અને ચિંતા કરવાનું કોઇ કારણ નથી. તેઓ ટૂંક સમયમાં જ સ્વસ્થ થઇ જશે.
ટીકુ તલસાણિયા હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. સલમાન ખાન, શાહરૂખ ખાન સહિત અનેક જાણીતા અભિનેતા અભિનેત્રીઓ સાથે તેઓ કામ કરી ચૂક્યા છે. છેલ્લે તેઓ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને સેન્સેશનલ સ્ટાર તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં હતા.