Happy Birthday: ડાન્સ, એક્શન, લૂક બધામાં પરફેક્ટ છે આ સ્ટારકીડ પણ…

બોલીવૂડમાં સ્ટારકીડને ટેલેન્ટ ન હોય તો પણ કામ મળી જાય છે તેવી દલીલો કરી નેપોટીઝમનો કકળાટ રોજ થાય છે. વાત સાવ ખોટી પણ નથી, રોજ નવા નવા ચહેરાઓ આવી જાય છે અને કમ સે કમ એક સારી ફિલ્મ તો તેમને મળી જ જાય છે, પરંતુ માત્ર સ્ટારનો દીકરો કે દીકરી હોવાથી બોલીવૂડમાં પગ જમાવી શકાતો નથી. ટેલેન્ટ પણ જોઈએ.
આજનો બર્થ ડે સેલિબ્રિટી પણ સ્ટારકીડ છે અને લૂક, એક્શન, ડાન્સમાં બોલીવૂડમાં ઘણાથી વધારે ટેલેન્ટેડ પણ છે, છતાં તેની માટે પણ પગ જમાવી રાખવા સહેલા નથી.
આપણ વાંચો: એપ્રિલ ફૂલઃ ટાઈગર શ્રોફના પ્રૅન્કથી ખેલાડી અભિનેતા પણ બચી ન શક્યા
આ સ્ટારકીડ એટલે આપણા જગ્ગુદાદા એટલે કે જેકી શ્રોફનો દીકરો ટાઈગર શ્રોફ. ટાઈગર આજે તેનો 35મો જન્મદિવસ મનાવી રહ્યો છે. હીરોપંતીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારા ટાઈગરે બાગી અને વૉર ફિલ્મમાં સારું કામ કર્યું છે, છતાં જોઈએ તેવું નામ કમાઈ શક્યો નથી.

જોકે આજે અમે તમને ટાઈગરની બીજી એક વાત કહેવા જઈ રહ્યા છીએ અને એ વાત જોડાયેલી છે તેના નામ સાથે. ટાઈગરનું ઓરિજનલ નામ છે જય હેમંત શ્રોફ. જય નામ તેને જન્મથી જ મળ્યું છે, પરંતુ ટાઈગર બાળપણમાં તોફાની હતો અને ઘરે જે કોઈ આવે તેને બટકા ભરવાની તેને આદત હતી.
ઘરમાં આવતા લગભગ દરેક મહેમાનને તે બચકા ભરી લેતો. આથી જેકી અને તેની મમ્મી આયેશાએ તેનું હુલામણું નામ ટાઈગર રાખ્યું હતું.
જ્યારે તેને ઓફર મળી અને તેની પહેલી ફિલ્મ સાઈન કરી ત્યારે તેણે આ નામ જ રાખવાનું નક્કી કર્યું.
ટાઈગરનું કામ વખાણાઈ છે, પરંતુ સુપરહીટ કહી શકાય તેવી ફિલ્મ ઘણા સમયથી આવી નથી. ગણપત અને બડે મિયાં છોટે મિયાંથી તેને ઘણી અપેક્ષા હતી, પરંતુ આ ફિલ્મોએ તેને નિરાશ કર્યો છે. આશા રાખીએ આ નવું વર્ષ ટાઈગર માટે સફળ સાબિત થાય.