રણબીર કપૂરના ભાઇની ભૂમિકા ઠુકરાવી આ સ્ટારસંતાને, ‘રામાયણ’ના સર્જકો માટે સર્જાઇ મુશ્કેલી

હજુ તો પહેલી ફિલ્મ રિલીઝ પણ નથી થઇ અને આ પ્રખ્યાત સ્ટાર સંતાને સેકંડ લીડ ભજવવાનો ઇનકાર કરી દીધો છે. અમે વાત કરી રહ્યા છીએ બીગબી અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાની.
હજુ તો અગસ્ત્ય તેની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલીવુડમાં પદાર્પણ કરી રહ્યો છે. તેવામાં તેને નિતેશ તિવારીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રામાયણમાં લક્ષ્મણની એટલે કે રણબીર કપૂરના નાના ભાઇની ભૂમિકા ઓફર થઇ હતી. જો કે આ ઓફર તેણે ઠુકરાવી દીધી છે. આમ પોતાની પહેલી ફિલ્મની રિલીઝ પહેલા જ અગસ્ત્ય નંદા ચર્ચામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્ઝનું સાચું માનીએ તો નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર રામના પાત્રમાં જ્યારે સાઇ પલ્લ્વી સીતાની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે KGF સ્ટાર યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે અગસ્ત્ય નંદા પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે ત્યારે કારકિર્દીના આ સ્ટેજ પર કદાચ તેણે સેકન્ડ લીડનું પાત્ર ન ભજવવું જોઇએ તેવું તેને લાગી રહ્યું છે. લક્ષ્મણની ભૂમિકા માટે નિતેશ તિવારી અન્ય ઘણા જાણીતા કલાકારોને અપ્રોચ કરી ચુક્યા છે પરંતુ હજુસુધી કોઇએ આ ભૂમિકા માટે હા નથી પાડી. રામાયણનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ કરવાની નિતેશ તિવારીની યોજના છે.