OTTની આ ડોક્યુમેન્ટરી ફરી યાદ અપાવશે મુંબઈની એ મર્ડર મિસ્ટ્રીની, જેણે દેશને ધ્રુજાવી દીધો હતો
મુંબઈઃ વર્ષ 2015ના જુલાઈ-ઑગસ્ટ મહિનામાં મુંબઈ સહિત આખા દેશને ઝટકો લાગ્યો હતો. રાય નામનો એક ડ્રાયવર બીજા કોઈ ગુનામાં સંડોવાયો હતો અને તેણે એક યુવતીની હત્યાની વાત પોલીસ સામે ઓકી હતી. તે બાદ આખો દેશ એક જાણીતા પરિવારના આ કથિત હત્યાકાંડના અહેવાલો જાણવા અધીરો બન્યો હતો.
વાત છે પીટર મુખરજી અને ઈન્દ્રાણી મુખરજીની અને ઈન્દ્રાણીની દીકરી શીના બોરાની હત્યાની. આ હત્યાની યાદ આજે એક ઓટીટી પ્લેટફોર્મે અપાવી છે કારણ કે તેમણે આ કેસ પર બનાવેલી ડોક્યુમેન્ટરીની રીલિઝ ડેટ જાહેર કરી છે.
નેટફ્લિક્સ પર આ ડોક્યુમેન્ટરી ધ ઈન્દ્રાણી મુખરજી સ્ટોરીઃ બરીડ ટ્રુથમાં શીના બોરાની હત્યા સાથે જોડાયેલી તમામ વાતો છે. નેટફ્લિક્સે આજે તેનું પોસ્ટર લૉંચ કર્યું છે, જેમા ઈન્દ્રારાણીનો અડધો ચહેરો દેખાય છે. આ સાથે કેપ્શન આપી છે. એક સનસનીખેજ ગોટાળો, જેણે આખા દેશને હચમચાવી મૂક્યો, જેના કેન્દ્રમાં એક પરિવારના સૌથી ડીપ સિક્રેટ્સ છુપાયેલા છે.
આ ડોક્યુમેન્ટરી રીલિઝ થવાની તારીખ 23મી ફેબ્રુઆરી છે. આ સિરિઝ શાના લેવી અને ઉરાઝ બહેલ દ્વારા નિર્દેશીત કરવામાં આવી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે એવી વાતોને ઉજાગર કરશે જે અગાઉ ક્યારેય પ્રકાશમાં આવી નથી.
નેટફ્લિકસની આ સિરિઝ ઈન્દ્રાણીએ લખેલા પુસ્તક અનબ્રોકનઃ ધ અનટૉલ્ડ સ્ટોરી પર આધારિત છે. આ પુસ્તક 2023માં પ્રકાશિત થયું હતું, જેમાં તેનાં આખા જીવન અને જેલમાં વિતાવેલા છ વર્ષ વિશે વાત કરવામાં આવી છે. હાલમા ઈન્દ્રાણી જમાનત પર બહાર છે.