
‘મોહરા’, ‘દિલવાલે’, ‘અંદાઝ અપના અપના’ સહિત અનેક ફિલ્મોમાં કામ કરીને બોલીવુડમાં નામના મેળવનાર અભિનેત્રી રવિના ટંડને વર્ષો સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. હવે તેની પુત્રી પણ બોલીવુડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ રવિનાએ તેની પુત્રી સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી છે, જેની માહિતી અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
રવિના ટંડને તેના ઇન્સ્ટા હેન્ડલ પર 12 જ્યોતિર્લિંગની યાત્રાની તસવીરો શેર કરી હતી. વિનાની સાથે તેની પુત્રી રાશાએ પણ 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી હતી. તેમની યાત્રા કેદારનાથ ધામથી શરૂ થઈ અને રામેશ્વરમ મંદિરે પૂરી થઈ. રવીના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં રવીના અને રાશા રાત્રે રામેશ્વરમ મંદિરની સામે કેઝ્યુઅલ પોશાકમાં પોઝ આપતા જોઈ શકાય છે.
તે બંને બીજા દિવસે સવારે મંદિરે પણ ગયા હતા, જ્યાં મહાદેવના દર્શન કર્યા બાદ તેમણે મંદિરની નજીક ધનુષ કોડી બીચ પર પણ ક્વોલિટી ટાઈમ માણ્યો હતો. આ તસવીરો શેર કરતી વખતે, રવિનાએ કેપ્શનમાં લખ્યું હતું કે “કેદારનાથથી રામેશ્વરમ સુધી… 12 પવિત્ર જ્યોતિર્લિંગને પૂર્ણ કરવાની અમારી શોધ… દરેક વસ્તુ માટે શિવનો આભાર… હર હર મહાદેવ.”
રવિના ટંડને માત્ર 17 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને એ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. ‘પત્થર કે ફૂલ’ તેની પહેલી ફિલ્મ હતી, આ ફિલ્મમાં તેની અને સલમાન ખાનની જોડી જોવા મળી હતી. આ પછી અભિનેત્રીએ ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. રવિના ટંડન ટૂંક સમયમાં ‘ઘૂડચઢી’, ‘પટના શુક્લા’ અને ‘આરણ્યક’ની બીજી સીઝનમાં જોવા મળશે.