Kangna Ranaut સાથે કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસે કરી આત્મહત્યા, Bollywoodમાં શોકનું મોજું ફરી વળ્યું…
Famous Actress, Singer Mallika Rajputએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેતા બોલીવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ચાલીસ વર્ષીય એક્ટ્રેસનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાવીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મલ્લિકાના આકસ્મિક મૃત્યુથી તેના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે અને તેના ફેન્સ પણ એકદમ ચોંકી ઉઠ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મલ્લિકાએ કંગના રનૌત જેવી ટોપની અનેક એક્ટ્રેસ સાથે કામ કર્યું છે.
મલ્લિકાએ રિવોલ્વર રાની ફિલ્મમાં કંગના રનૌત સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે સિંગર શાનના મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું હતું, જે ખૂબ જ ફેમસ થયું હતું. યારા તુઝસે આલ્બમમાં કામ કરીને મલ્લિકાને નેમ અને ફેમ બંને મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ઘણી સિરીઝ, શોઝ અને આલ્બમમાં કામ કર્યું હતું.
મલ્લિકાએ બોલીવૂડ સિવાય રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો, પરંતુ તેમાં સફળતા ના મળતાં તેણે આધ્યાત્મિકતા તરફ વળી હતી, પરંતુ હવે અચાનક તેણે આત્મહત્યા કરીને લોકોને ચોંકાવી દીધા છે. પુત્રીના નિધનનથી દુઃખી થયેલી મલ્લિકાની માતા સુમિત્રા સિંહે જણાવ્યું હતું કે મારી દીકરી મલ્લિકા રાજપૂત ઉર્ફે વિજયલક્ષ્મી સિંહ રોજની જેમ રૂમમાં ગઈ હતી અને તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. સવારે તેણે દરવાજો ન ખોલતા દરવાજો તોડાવીને અમે અહીં અંદર ગયા તો મલ્લિકાનો મૃતદેહ પંખા પર લટકતો જોવા મળ્યો હતો.
મલ્લિકા રાજપૂતે ભરેલાં અંતિમ પગલાંથી તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મલ્લિકા રાજપૂતનો પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને પોલીસે એ સમયે આ મામલે સમાધાન કરાવ્યું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે મલ્લિકાએ રાતે આત્મહત્યા કરી લીધી હતી, જોકે તેણે આત્મહત્યા કેમ કરી એની માહિતી જાણી શકાઈ નથી.