‘ધ ફેમીલી મેન’નો ત્રીજો ભાગ મણિપુરના વિવાદ પર હશે? જાણો દિગ્દર્શક ડીકેએ શું કહ્યુ..

મનોજ બાજપેયીની વેબસિરીઝ ‘ધ ફેમીલી મેન’ એ OTT પર ધમાલ મચાવી હતી. તેના અત્યાર સુધીમાં 2 ભાગ આવી ગયા છે, અને બંને ભાગમાં મનોજ બાજપેયી સહિત તમામ કલાકારો, તેની વાર્તા, બેકગ્રાઉન્ડ સ્કોર સહિત અનેક બાબતોની લોકોએ ભરપૂર પ્રશંસા કરી છે. એવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે સિરીઝના ત્રીજા ભાગ પર કામ ચાલુ છે અને આ વખતે મનોજ બાજપેયી નોર્થ-ઇસ્ટના મુદ્દાઓ પર કામ કરશે.
એક ઇન્ટરવ્યુમાં સિરીઝના દિગ્દર્શક ક્રિષ્ના ડીકેએ વેબ સિરીઝની આગામી સીઝન વિશે મોટો ખુલાસો કર્યો છે, તેમણે જણાવ્યું હતું કે હાલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે, લોકેશન મળી જાય એટલે આગામી થોડા મહિનામાં સિરીઝના ત્રીજા ભાગનું શૂટિંગ શરૂ થશે. ત્યાંના સ્થાનિક કલાકારો સાથે પણ કામ કરવાની અમારી યોજના છે, તેવું ડીકેએ કહ્યું.
“ઉત્તરપૂર્વની સમસ્યાઓની અને ત્યાંની સંસ્કૃતિનું અમે આગામી સીઝનમાં તથા વાસ્તવિક નિરૂપણ કરવા માગીએ છીએ, ‘ધ ફેમીલી મેન’ નો પહેલો ભાગ કાશ્મીરની સમસ્યા પર હતો, બીજો ભાગ શ્રીલંકા-એલટીટીઇ સંગઠનના દક્ષિણ ભારતમાં પ્રભાવ પર હતો અને હવે ત્રીજો ભાગ ઉત્તર પૂર્વમાં રહેતા લોકો વિશેની રજૂઆત હશે, જો કે અમે તેની કથા હાલ ગુપ્ત રાખવા માગીએ છીએ અને શક્ય હોય એટલા રિઅલ લોકેશન્સ પર શૂટ કરવા માગીએ છીએ.” તેવું ક્રિષ્ના ડીકેએ જણાવ્યું હતું.
‘ધ ફેમિલી મેન’ સૌથી પહેલા 2019માં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઇ હતી. આ સિરીઝનો લોકડાઉનને પગલે દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. એ પછી 2021માં તેની બીજી સિઝન રિલીઝ થઈ હતી, જેમાં મનોજ બાજપેયીના પાત્ર અને અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. IMDb પ્રમાણે તે ભારતમાં સૌથી વધુ જોવાયેલી OTT શ્રેણી હતી. હવે તેની ત્રીજી સિઝનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હવે 2025 સુધીમાં તેનો ત્રીજો ભાગ આવે તેવી શક્યતાઓ છે.