બોયફ્રેન્ડને પરણવા માત્ર 18 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી હતી આ સિંગર, એક વર્ષ પણ નહોતા ટક્યા લગ્ન
બોલીવુડની જાણીતી ગાયિકા સુનિધિ ચૌહાણને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાની પ્રતિભાના જોર પર તેણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. સુનિધિ ચૌહાણે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, પંજાબી, આસામી, નેપાળી અને ઉર્દૂ ભાષાઓમાં પણ ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેણે ફક્ત 5 વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધું હતું. હાલમાં જ આ સિંગરે એક ઈન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઇફ વિશે ખુલીને વાત કરી હતી.
સુનિધિ ચૌહાણે માત્ર 18 વર્ષની ઉંમરે કોરિયોગ્રાફર અને નિર્દેશક અહેમદ ખાનના ભાઈ કોરિયોગ્રાફર બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા. અલગ-અલગ ધર્મના હોવાના કારણે બોબી અને સુનિધિ બંનેના પરિવારજનો આ સંબંધની સખત વિરુદ્ધ હતા, પરંતુ બંનેએ પરિવારજનોની વિરુદ્ધમાં જઇને ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા.
જો કે જ્યાં એક તરફ સુનિધિ ચૌહાણે પોતાના પ્રેમ ખાતર પોતાનો પરિવાર છોડી દીધો હતો, તો બીજી તરફ બોબી ખાને પરિવારની જીદ સામે ઝૂકીને હાર સ્વીકારી લીધી હતી. બોબી સાથે સુનિધિના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા ન હતા અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા. 19 વર્ષની ઉંમરે છૂટાછેડાના આઘાતનો સામનો કર્યા પછી, તેણે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાના ટેલન્ટના દમ પર સંગીત ઉદ્યોગમાં સફળતા મેળવી.
જો કે આ ઈન્ટરવ્યુમાં તેણે કબૂલ્યું હતું કે તેના પહેલા લગ્ન તૂટ્યા પછી પણ પ્રેમ અને સંબંધો પ્રત્યે તેનું વલણ નેગેટિવ નથી બન્યું. સુનિધિ કહે છે, “મેં ઘણી ભૂલો કરી છે, પરંતુ હું આભારી છું કે હું જીવનની અન્ય સારી વસ્તુઓથી વંચિત નથી રહી. મુશ્કેલ સમયમાં મારા માતા-પિતા મારો એકમાત્ર સહારો હતા અને આજે હું જે કંઈ પણ છું તે તેમના કારણે છે.” તેવું સુનિધિએ ઉમેર્યું હતું.
સુનિધિએ વર્ષ 2012માં સંગીતકાર હિતેશ સોનિક સાથે બીજા લગ્ન કર્યા હતા અને તે એક બાળકની માતા પણ બની ચુકી છે.