
સુરત: છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મહિને તેમાં આપઘાતનું એક ઘટનાનો વધારો થયો હતો. સુરત શહેરની 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ આપઘાત કરીને જીવન ટૂકાવ્યું હતું. અંજલિના આપઘાતના 26 દિવસ બાદ સુરત પોલીસને આપઘાતનું કારણ જાણવામાં સફળતા મળી છે. અંજલિના આપઘાત પાછળ કોણ જવાબદાર છે? આવો જાણીએ.
અંજલિ વરમોરાએ કેવી રીતે કર્યો આપઘાત
8 જૂન 2025ના રોજ અંજલિ વરમોરાએ પોતાના ઘરના પંખા પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ થતા જ આઠવા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરીને અંજલિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે પોલીસને તેના મૃતદેહ પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નહોતી. પોલીસે તેનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અંજલિ વરમોરાના આપઘાતનું કારણ

આપઘાતનું કારણ જાણવા માટે આઠવા પોલીસે અંજલિ વરમોરાની કોલ વિગતો તપાસી હતી. આપઘાત પહેલાના અઢી કલાકમાં અંજલિને 23 કોલ આવ્યા હતા. 23 કોલમાંથી 12 કોલ તેના બોયફ્રેન્ડ ચિંતન અગ્રાવતના હતા. અંજલિએ ચિંતન સાથે 16 મિનિટ વાત કરી હતી. તેથી પોલીસે ચિંતનની વધુ પૂછપરછ હાથ ધરી હતી.
ચિંતન આપતો હતો અંજલિને ત્રાસ
ચિંતન અંગે વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, ચિંતન અગ્રાવતે અંજલિને લગ્નના ખોટા વાયદા કર્યા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધમાં ખટરાગ પેદા થયો હતો. આ સિવાય ચિંતન જાતિ વિષયક શબ્દો બોલીને અંજલિનું અપમાન પણ કરતો હતો. ચિંતન તરફથી સતત મળતા ત્રાસથી અંજલિ કંટાળી ગઈ હતી. અંજલિએ 7 જૂનના ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે, આજે તે અહેસાસ કરાવી દીધો કે હું કંઈજ નથી તારા માટે… અંતે તેણે પોતાનું જીવન ટૂંકાવ્યાનો નિર્ણય લીધો હતો.
પોલીસે ચિંતન અગ્રાવત સામે ગુનો નોંધ્યો
પ્રેમી ચિંતનના ત્રાસથી અંજલિએ આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. અઠવા લાઇન્સ પોલીસે ચિંતન અગ્રાવત સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.