શોલેની ગોલ્ડન જ્યુબિલી: 50 વર્ષ પછી પણ ‘ગબ્બર’ કેમ ભૂલાતો નથી?

પંદરમી ઓગસ્ટ 1975ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘શોલે’એ ભારતીય સિનેમામાં એક નવો ઈતિહાસ સ્થાપ્યો છે. આ ફિલ્મે એક એવા ‘ખલનાયક’ને જન્મ આપ્યો, જે આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે, જેનું નામ છે ગબ્બર સિંહ. ‘શોલે’ની ગોલ્ડન જ્યુબિલી પર આ ફિલ્મના નિર્માણ, રોમાંચક કહાની અને ‘ગબ્બર’ના પાત્રને આબેહૂબ બનાવવાની સફર ફરી યાદ કરવામાં આવી રહી છે. એક ધુમ્મસભર્યા રૂમમાં રમેશ સિપ્પી, સલીમ-જાવેદ અને અમજદ ખાનની મહેનતે આ ફિલ્મને બોલીવુડને એક ખતરનાક વિલનની ભેટ આપી, જે આજે પણ લોકહૃદયમાં સ્થાન ધરાવે છે.
ગબ્બરની શોધ કોણે કરી
1973માં બોમ્બેના સાઠે હાઉસમાં સલીમ ખાન અને જાવેદ અખ્તર ‘શોલે’ની સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા. ગબ્બર સિંહનું પાત્ર, એક એવો ડાકુ જે ભયંકર હોય અને દર્શકોને ચોંકાવે. તેમના સપનાનું કેન્દ્ર હતું, પરંતુ યોગ્ય ગબ્બર શોધવું સરળ નહોતું. આ રોલ માટે ડેની ડેન્ઝોંગ્પા શેડ્યૂલની વ્યસ્તતાને કારણે હટી ગયા. અમિતાભ બચ્ચન અને સંજીવ કુમારને નકારવામાં આવ્યા, અને પ્રેમ નાથનો વિચાર પણ પડતો મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન સલીમ ખાને અમજદ ખાનનું નામ સૂચવવામાં આવ્યું હતું, જે એક નવા પણ પ્રતિભાશાળી ચહેરો હતો. રમેશ સિપ્પીએ અમજદને મળતાં જ નક્કી કરી લીધું હતું કે આ જ બનશે ‘ગબ્બર’!

‘હિંદુસ્તાન કી કસમ’માં પાઈલટનું પાત્ર ભજવ્યું
પેશાવરના પઠાણ અને જાણીતા અભિનેતા જયંતના પુત્ર એવા અમજદે એ જમાનામાં સંઘર્ષ કરી રહ્યા હતા. ‘હિંદુસ્તાન કી કસમ’માં તેમનું પાઇલટનું પાત્ર નોંધપાત્ર હતું, પરંતુ કામની અછત હતી. સલીમ ખાને તેમને સિપ્પી સાથે મુલાકાત કરાવી, અને અમજદની ઓડિશનમાં ‘યે હાથ હમકો દે દે, ઠાકુર’ જેવી લાઈનોએ સિપ્પીનું દિલ જીતી લીધું. જોકે, ક્રૂને અમજદની પાતળા અવાજ વિશે શંકા હતી, પરંતુ સિપ્પીએ તેમની આંખોમાં ડર અને શરારતનું મિશ્રણ જોયું. શૂટિંગ દરમિયાન બેંગલોર જતા અમજદનું પ્લેન હાઈડ્રોલિક ફેલ્યરને કારણે પાછું ફર્યું, પરંતુ તેમણે હિંમત ન હારી અને ‘જો ડર ગયા, સમજો મર ગયા’ની ભાવના સાથે શૂટિંગમાં જોડાયા.
અને ‘ગબ્બર’ તરીકેની ઓળખ અમર બની ગઈ
રામનગરની ખડકાળ જમીન પર અમજદે ગબ્બરનું પાત્ર એવું ભજવ્યું કે તે બોલીવુડના આઈકન સ્ટાર બની ગયા. ‘કિતને આદમી થે?’ અને ‘હોલી કબ હૈ?’ જેવી ડાયલોગ્સ ઘર-ઘરમાં ગૂંજી ઊઠ્યા હતા. અમજદના રિયલ હાસ્ય, તમાકુ ચાવતી મુસ્કાન અને નિર્દયી શૈલીએ ગબ્બરને એક અનોખો ખલનાયક તરીકે નામ બનાવ્યું. તેમના પરફોર્મન્સે ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને સંજીવ કુમાર જેવા સ્ટાર્સને પણ ટક્કર આપી. ગબ્બરની ભૂમિકાએ બોલીવુડમાં ખલનાયકોની વ્યાખ્યા બદલી નાખી, જેમાં ડરની સાથે આકર્ષણ પણ હતું.
‘ગબ્બર’ની વિરાસત આજે પણ અકબંધ રહી છે
ગબ્બર સિંહ માત્ર ખલનાયક જ નહોતા, પરંતુ એક સાંસ્કૃતિક ચિહ્ન બની ગયો. તેની લાઈનો ચા-ની દુકાનોથી લઈને રાજકીય કાર્ટૂન સુધી ગૂંજે છે. સલીમ-જાવેદની લેખની, સિપ્પીની ડિરેક્શન અને અમજદની એક્ટિંગ ક્ષમતાએ ગબ્બરને અમર બનાવ્યો. જે બાદ રામ ગોપાલ વર્માના ‘શોલે’ રીમેકમાં અમિતાભે ગબ્બરનું પાત્ર ભજવ્યું, પરંતુ તે અમજદની છાપની બરાબરી ન કરી શક્યો. ગબ્બરની વિરાસત આજે પણ બોલીવુડના ઇતિહાસમાં એક દંતકથા તરીકે જીવે છે, જે દર્શકોને ડરાવે છે અને મનોરંજન પણ કરે છે.
આપણ વાંચો: હેં, Amitabh Bachchan ઓટોરિક્ષામાં બેસીને પહોંચ્યા સેટ પર? શું છે આખો મામલો…