મહાભારતના પાત્ર કર્ણ પર બની રહી છે ફિલ્મ, જાહન્વી કપૂર સુપરસ્ટાર સૂર્યા સાથે ચમકશે
બોલીવુડ અભિનેત્રી જાહન્વી કપૂર ધીમે ધીમે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવી રહી છે. ફિલ્મો પણ એવી કે જેમાં સાઉથના દિગ્ગજ અભિનેતાઓ સાથે તેને કામ કરવા મળી રહ્યું છે. ‘દેવરા’ ફિલ્મમાં જુનિયર NTR સાથે તે કામ કરી રહી છે, અને આ ફિલ્મ બાદ વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘કર્ણ’ માં તે સાઉથના સુપરસ્ટાર સૂર્યા સાથે જોવા મળશે.
અમુક મીડિયા અહેવાલો મુજબ આ ફિલ્મ મહાભારતના પૌરાણિક પાત્ર ‘કર્ણ’ પર આધારિત છે. જેમાં સૂર્યા કર્ણનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મ દ્વારા જાણીતા બોલીવુડ દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા કમબેક કરી રહ્યા છે. તેઓ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. જો કે આ ફિલ્મ પેન ઇન્ડિયા રિલીઝ હશે એટલે કે તેને 5 ભાષાઓમાં એકસાથે બનાવવામાં આવશે. આ ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન પહેલેથી શરૂ થઇ ગયું છે.
‘રંગ દે બસંતી’ ફિલ્મથી રાકેશ ઓમપ્રકાશ મહેરા જાણીતા થયા હતા. એ પછી તેમણે ‘દિલ્હી-6’, ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી મોટી ફિલ્મોનું પણ દિગ્દર્શન કર્યું. તેમણે છેલ્લે 2021માં આવેલી ફિલ્મ ‘તુફાન’નું દિગ્દર્શન કર્યું હતું, જેમાં ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા.
આ વર્ષે જાહન્વી કપૂરની ઘણી ફિલ્મો રિલીઝ થઇ રહી છે. તે કરણ જોહરની ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં પણ રાજકુમાર રાવ સાથે દેખાશે.