બોક્સ ઓફિસ પર ધુરંધરની ધૂમ: પાંચ દિવસમાં કર્યો 150 કરોડનો વકરો, જાણો કેટલામાં વેચાયા OTT રાઈટ્સ

મુંબઈ: આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ધુરંધર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા સ્ટાર્સથી બનેલી આ ફિલ્મ 5 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ઉલ્લેખનીય છે ફિલ્મે પાંચ જ દિવસમાં 150 કરોડથી વધુનો વકરો કરી લીધો છે. પોઝિટિવ વર્ડ-ઓફ-માઉથના કારણે ફિલ્મને ઘણો ફાયદો થયો છે. લાંબા સમય પછી રણવીર સિંહને બોક્સ ઓફિસ પર આટલી મોટી હિટ મળી છે, જે તેમના કરિયર માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.
બોક્સ ઓફિસ પરની સફળતાની સાથે, ‘ધુરંધર’ના ડિજિટલ રાઇટ્સને લઈને પણ એક મોટો સોદો થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ફિલ્મની ઓટીટી (OTT) સ્ટ્રીમિંગના રાઈટ્સ નેટફ્લિક્સ (Netflix)એ ખરીદ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નેટફ્લિક્સે ‘ધુરંધર’ના બંને પાર્ટ્સના સ્ટ્રીમિંગ રાઇટ્સ માટે ₹130 કરોડ ચૂકવ્યા છે. એટલે કે લગભગ ₹65 કરોડ એક પાર્ટ માટે આપવામાં આવ્યા છે. સૂત્રોના મતે, આજના સમયમાં જ્યારે OTT પ્લેટફોર્મ્સ પર ફિલ્મોની કિંમતોમાં ઘટાડો આવ્યો છે, ત્યારે આટલી મોટી રકમ મળવી એ ઘણી મોટી સિદ્ધિ છે. રણવીર સિંહ માટે પણ આ તેમના કરિયરની સૌથી મોટી OTT ડીલ માનવામાં આવે છે.
‘ધુરંધર’ એક જાસૂસી એક્શન થ્રિલર મૂવી છે, જેમાં દરેક કલાકારના અભિનયે દર્શકોને પ્રભાવિત કર્યા છે. રણવીર સિંહ અને તેનાથી 20 વર્ષ નાની સારા અર્જુનની જોડીને પણ દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સારા અર્જુન સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાર રાજ અર્જુનની પુત્રી છે, જેણે હવે લીડ એક્ટ્રેસ તરીકે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરીને ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મનો બીજો ભાગ લગભગ 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થવાના પણ અહેવાલો મળી રહ્યા છે.
આગામી શુક્રવારે ‘ધુરંધર’ની ટક્કર કોમેડિયન કપિલ શર્માની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’ સાથે થવાની છે. જોકે ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે રણવીર સિંહની ફિલ્મને આ નવી રિલીઝથી વધુ અસર નહીં થાય. તેના બદલે, કપિલ શર્માની ફિલ્મના બિઝનેસને ‘ધુરંધર’ની સફળતાને કારણે મોટો ઝટકો લાગી શકે છે. ‘ધુરંધર’ની મજબૂત પકડ અને સકારાત્મક પ્રતિભાવ દર્શાવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર લાંબો સમય ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.
આપણ વાંચો: હું થાકી ગયો છું: બમન ઈરાનીનો બોલીવૂડમાંથી મોહભંગ થયો? સોશિયલ મીડિયા પોસ્ટથી વહેતી થઈ અટકળો



