‘જોલી એલએલબી ૩’ પર સેન્સર બોર્ડે ચલાવી કાતર, ફિલ્મમાં અમુક ફેરફાર કરવાની પડી ફરજ

મુંબઈ: કોમેડી-કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘જોલી એલએલબી'(2013) અને ‘જોલી એલએલબી 2′(2017)ની સફળતા બાદ હવે તેના ફિલ્મમેકર્સ ‘જોલી એલએલબી ૩’ લઈને આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં અક્ષયકુમાર અને અરશદ વારસી બંને ફિલ્મમાં જોવા મળશે. બંને અભિનેતાઓને આમનેસામને જોવા માટે તેમના ચાહકો આતુર થઈ રહ્યા છે. પરંતુ 19 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થનારી આ ફિલ્મ પર સેન્સર બોર્ડે કાતર ફેરવી છે. જેથી આ ફિલ્મના મેકર્સને કેટલાક સીન તથા ડાયલોગ હટાવવાની ફરજ પડી છે.
‘જોલી એલએલબી ૩’માં કેવા ફેરફાર થશે?
સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મમાંથી કેટલાક સંવાદો અને દ્રશ્યો દૂર કરવા અથવા સુધારવાની સૂચના આપી હતી. જેમાં સૌપ્રથમ ફિલ્મના જૂના ડિસ્ક્લેમરને હટાવીને એક નવું ડિસ્ક્લેમર ઉમેરવાનું કહેવામાં આવ્યું છે. ફિલ્મમાં સ્થળ અને વર્ષનું કાલ્પનિક નામ ઉમેરવા માટે નિર્માતાઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો.
અશ્લીલ શબ્દો: ‘f****r’ જેવા અપશબ્દો દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પોલીસ એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરે છે તે દ્રશ્યમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલાક સંવાદો સુધારીને નવા સંવાદો મૂકવામાં આવ્યા છે, જેમ કે ‘જાનકી અમ્મા કા ગાંવ સિર્ફ એક… ચેક મુહ પર ફેક કે મારા’ ને બદલે બીજો યોગ્ય સંવાદ મૂકવામાં આવ્યો છે. એક દ્રશ્યમાં જાનકી (સીમા બિશ્વાસ) દ્વારા લઈ જવામાં આવતી ફાઇલ પરના લોગોને પણ બ્લર કરવામાં આવ્યો છે. આ સિવાય જ્યાં પણ દારૂની બ્રાન્ડ દેખાતી હતી, તેને પણ બ્લર કરવામાં આવી છે.
સેન્સર બોર્ડે આપ્યું ‘U/A’ સર્ટિફિકેટ
સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તમામ ફેરફારો બાદ 2 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મને ‘U/A’ પ્રમાણપત્ર આપ્યું છે. ફિલ્મનો કુલ રનટાઇમ 157.16 મિનિટ (2 કલાક, 37 મિનિટ અને 16 સેકન્ડ) છે. સુભાષ કપૂર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી ઉપરાંત સૌરભ શુક્લા, અમૃતા રાવ, હુમા કુરેશી, ગજરાજ રાવ અને સીમા બિશ્વાસ પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મમાં જગદીશ ત્યાગી(અરશદ વારસી) અને જગદીશ મિશ્રા(અક્ષય કુમાર) બંને એકબીજાની આમનેસામને કેસ લડતા જોવા મળશે. આ બંનેમાંથી કોની જીત થશે? એના માટે તમારે ફિલ્મ જોવા જવું પડશે.