ભણસાલીની Heeramandiમાં કામ કરવાનો આ અભિનેત્રીએ જણાવ્યો અનુભવ

સંજીદા શેખની ગણના ભારતીય ટીવી જગતની સફળ અભિનેત્રીઓમાં થાય છે. તે કોઇપણ પ્રોજેક્ટ હોય ટીવી હોય કે OTT દરેકમાં જબરજસ્ત પર્ફોર્મન્સ આપતી હોય છે. સંજીદા છેલ્લે દિપીકા પાદુકોણ, હૃતિક રોશન સાથેની ફિલ્મ ‘ફાઇટર’માં દેખાઇ હતી. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં બોલીવુડના જાણીતા દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની હીરામંડીમાં કામ કરવાનો અનુભવ વર્ણવ્યો હતો.
હાલમાં ‘હીરામંડી’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો, જેમાં ભણસાલીના વિઝનમાં અભિનેત્રીઓ અદ્ભૂત લુકમાં દેખાઇ રહી છે. સંજીદાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બધું જ જાણે સ્વપ્નવત લાગતું હતું. આટલી પોપ્યુલર અભિનેત્રીઓ સાથે કામ કરવું એ ખરેખર શાનદાર અનુભવ રહ્યો હતો. ‘હીરામંડી’માં સંજીદા સાથે મનીષા કોઇરાલા, હુમા કુરેશી, ઋચા ચડ્ઢા, સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી જેવી અભિનેત્રીઓ મહત્વના રોલમાં જોવા મળશે.
દરરોજ જ્યારે હું સેટ પર પહોંચતી હતી ત્યારે એવું લાગતું હતું જાણે આ કોઇ સપનાની દુનિયા છે, તમે બધી બાજુ જુઓ અને તમને એવું લાગે કે કોઇ જાદુનગરી છે, અને પાછા સામે ભણસાલી સર હોય. દરેક અભિનેત્રીઓની અલગ અલગ ભૂમિકા છે. મનીષા કોઇરાલા મેમ, તેમનું કામ આપણે બધાએ જોયું છે, અદિતી, હુમા સૌ કોઇ અલગ છે, તેમને ફક્ત એક્ટિંગ કરતા જોઇ લેવાથી અને ઓબ્ઝર્વ કરવામાત્રથી જ ઘણું શીખવા મળી જાય છે.
શૂટિંગના પ્રોસેસમાં પહેલા તો અમારી વચ્ચે એટલું ઇન્ટરએક્શન થયું નહોતું, પણ જ્યારે સિરીઝ પૂર્ણ થવા આવી ત્યારે અમારા બધાની વચ્ચે એક ખાસ બોન્ડિંગ સ્થપાઇ ગયું હતું, તેવું સંજીદાએ જણાવ્યું હતું.
મહત્વનું છે કે ‘હીરામંડી’ વેબસિરીઝ દ્વારા ‘રામલીલા’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ભવ્ય ફિલ્મો આપનારા ભણસાલી પહેલીવાર OTT ડેબ્યુ કરી રહ્યા છે.