આ અભિનેતાએ સેન્સર બોર્ડ પર લગાવ્યો લાંચ લેવાનો આરોપ
કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એટલે કે સેન્સર બોર્ડ ફરી એકવાર વિવાદોમાં છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા વિશાલે સેન્સર બોર્ડ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલા ફિલ્મના સ્ક્રીનિંગ માટે અને પછી તેના સર્ટિફિકેશન માટે સેન્સર બોર્ડે પૈસા માગ્યા હોવાનો દાવો કર્યો હતો. વિશાલના આ આરોપોને ગંભીરતાથી લેતા કેન્દ્રીય સૂચના અને માહિતી પ્રસારણ મંત્રાલયે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર એસોસિએશન અને ઇન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશને પણ આ અંગે સીબીઆઇ તપાસની માગ કરી છે.
પોતાની ફિલ્મોમાં ભ્રષ્ટાચાર સામે લડનારા અભિનેતાએ સોશિયલ મીડિયામાં કહ્યું છે કે તેની ફિલ્મ ‘માર્ક એન્ટોની’ની હિંદી આવૃત્તિ પાસ કરાવવા માટે સેન્સર બોર્ડે લાંચ માગી હતી. ઉપરાંત અભિનેતા વિશાલે 2 લોકોના નામ અને બેન્ક એકાઉન્ટની માહિતી આપતા સેન્સર બોર્ડના એક વ્યક્તિને 3 લાખ અને અન્ય એક વ્યક્તિને સાડા 3 લાખ આપ્યા હોવાનો દાવો કર્યો છે. વિશાલના આ આરોપો પર સેન્સર બોર્ડ તરફથી હજુસુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી પંરતુ કેન્દ્રીય સૂચના અને માહિતી પ્રસારણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે CBFCમાં ભ્રષ્ટાચારનો મુદ્દો એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ ધરાવે છે અને આમાં જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે. આ નિવેદન બાદ મંત્રાલય તરફથી તપાસ માટે અધિકારીને પણ મુંબઇ મોકલવામાં આવ્યા છે.
આ પહેલા પણ સેન્સર બોર્ડ પર લાંચ-રુશ્વતના આરોપો લાગી ચુક્યા છે. વર્ષ 2014માં તત્કાલીન સેન્સર બોર્ડના CEO રાકેશ કુમાર અને અન્ય લોકોની પણ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે, IFTDA અને IMPA પોતે માને છે કે હવે બધું ઓનલાઈન થઈ ગયું છે, તેથી ભ્રષ્ટાચારનો અવકાશ નહિવત છે. તેમ છતાં, હવે જે 2 નામ સામે આવ્યા છે તે સેન્સર બોર્ડ સાથે જોડાયેલા નથી, પરંતુ એવું પણ શક્ય નથી કે બંને સેન્સર બોર્ડના કોઈ અધિકારીની મિલીભગત વિના આ પ્રકારનું કામ કરી શકે. એટલા માટે અભિનેતા સહિત અનેક લોકોની માંગ છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ, કારણ કે આરોપો ખૂબ ગંભીર છે.