
તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ સ્ત્રી-ટુ હૉરર હોવાની સાથે કૉમેડી હોવાથી, દર્શકોને મજા કરાવતી હોવાથી અપેક્ષા કરતા વધારે કમાઈ ગઈ છે. મોટાભાગના દર્શકો ગમે તેવો સારો કે ગંભીર વિષય હોય તો પણ ફિલ્મ મનોરંજન કે હળવા થવા જોવા આવતા હોય છે. આજે રિલીઝ થયેલી હિન્દી ડબ્ડ સાઉથ ફિલ્મ થંગલાન મનોરંજનની દૃષ્ટિએ બહુ ઓછા માર્ક્સ મેળવે તેવી છતાં, દર્શકોને ગમી રહી છે. આથી મૂળ તમિળ ભાષામાં બનેલી અને એક મહિના પહેલા થિયેટરોમાં આવેલી આ ફિલ્મ આજથી હિન્દીમાં જોવા મળશે.
તો આવો જાણીએ કેવી છે ફિલ્મ
પા.રણજીતની ફિલ્મો જોનારા દર્શકોનો એક અલગ વર્ગ છે. રજનીકાંત સાથે કબાલી અને કાલા જેવી સુપરહિટ લોકપ્રિય ફિલ્મો કર્યા પછી, આ વખતે પા રણજીતે અભિનેતા વિક્રમ સાથે કામ કર્યું છે. વિક્રમ આ ફિલ્મમાં જીવ રેડે છે અને ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન તમને જકડી રાખે છે.
વાર્તા KGF એટલે કે કોલાર ગોલ્ડ ફિલ્ડ્સની છે. ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત હોવાનો દાવો થઈ રહ્યો છે. બ્રિટિશ રાજમાં અંગ્રેજોનું એક જૂથ સોનાની ખાણો શોધી રહ્યું છે જેમાંથી ચોલ રાજાઓ અને ટીપુ સુલતાન સોનું કાઢતા હતા. તેઓ જે વિસ્તારમાં શોધ કરી રહ્યા હતા, એટલે કે કર્ણાટકના આજના આર્કોટ જિલ્લામાં, થંગાલન (વિક્રમ) એટલે કે સોનાનો પુત્ર ત્યાંના એક ગામમાં રહેતો બતાવવામાં આવ્યો છે. ફિલ્મ ઈતિહાસમાં આટા મારતી બતાવાઈ છે અને સેટથી માંડી દરેક વાત તમને ખરેખર હજારો વર્ષ પાછળ લઈ જાય છે.
ફિલ્મ ઘણી અલગ અલગ પ્લોટમાં વાર્તા કહે છે. વાર્તા સારી રીતે કહેવાય છે, પણ વચ્ચે વચ્ચે ગૂંચવાયા કરે છે અને દર્શકોને કંટાળો આવે છે. ફિલ્મના ગીતો-સંગીત અન્ય પેન ઈન્ડિયા ફિલ્મો જેવું નથી. હિન્દીમાં ડબ કરાયેલા ગીતો કાનને સાંભળવા ગમે તેવા લાગતા નથી. ફિલ્મનો હીરો ઘણીવાર મજબૂત લાગે છે તો ક્યારેક માયાવી શક્તિ આર્થી અથવા આરતી હીરો પર હાવી થઈ જાય છે. અમુક વાતો તર્કબદ્ધ નથી. ફિલ્મ થોડી ટૂંકી અને હળવી બનાવી શકાઈ હોત, તો દર્શકો વધારે મજા માણી શક્યા હોત.
જોકે પા. રણજીતનું ડિરેક્શન, વિક્રમ સહિતના કલાકારોનો અભિનય અને ફિલ્મનો માહોલ તમને એક અલગ જ અનુભવ કરાવશે.
Mumbai Samachar રેટિંગ- 4/5
Also Read –