મનોરંજન

સુપરસ્ટાર વિજય એરપોર્ટ પર લપસ્યો, પોલીસે ઉભો કરવો પડ્યો

મુંબઈ: તમિલ સુપરસ્ટાર અને ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના સ્થાપક થલપતિ વિજય રવિવારે રાત્રે મલેશિયાથી પરત ફર્યા ત્યારે ચેન્નઈ એરપોર્ટ પર એક અણધારી ઘટના બની હતી. એરપોર્ટ પર પોતાના પ્રિય અભિનેતાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. આ ભીડ વચ્ચે પોતાની કાર તરફ જતી વખતે વિજય અચાનક લપસી પડ્યો હતો. સદનસીબે, ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને તરત જ સંભાળી લીધા હતા અને સુરક્ષિત રીતે કારમાં બેસાડ્યા હતા. આ ઘટનામાં તેને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે.

વિજય તેમની કારકિર્દીની છેલ્લી ફિલ્મ ‘જનનાયકન’ના ઓડિયો લોન્ચ માટે મલેશિયા ગયો હતો. કુઆલાલંપુરના બુકિટ જલીલ સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 1 લાખથી વધુ લોકોની જંગી મેદની ઉમટી પડી હતી. આટલી મોટી સંખ્યામાં ઓડિયન્સ હાજર રહેવા બદલ આ ઇવેન્ટને ‘મલેશિયન બુક ઓફ રેકોર્ડ્સ’માં પણ સ્થાન મળ્યું છે. આ કાર્યક્રમમાં વિજયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે તેની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.

મલેશિયાના મંચ પરથી વિજયે પોતાના લાખો ચાહકોને સંબોધતા એક અત્યંત ભાવુક જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું કે, તેઓ હવે સિનેમાની રંગીન દુનિયા છોડીને સંપૂર્ણપણે જાહેર જીવન અને રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેણે ચાહકોનો આભાર માનતા કહ્યું કે, “જ્યારે હું સિનેમામાં આવ્યો ત્યારે મેં માત્ર રેતીનું નાનંા ઘર બનાવવાનું વિચાર્યું હતું, પરંતુ તમે મારા માટે કિલ્લો બનાવી દીધો. તમારા પ્રેમ ખાતર જ હું હવે અભિનય છોડી રહ્યો છું.” તેની આ જાહેરાતથી વિશ્વભરના ચાહકોમાં નિરાશા જોવા મળી છે.

માત્ર 10 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્મી સફર શરૂ કરનાર વિજયે 33 વર્ષ સુધી તમિલ સિનેમા પર રાજ કર્યું છે. 1992માં ‘નાલૈયા થીરપૂ’ ફિલ્મથી હીરો તરીકે પોતાની કરિયર શરૂ કર્યા બાદ તેણે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. એચ. વિનોદ દ્વારા નિર્દેશિત તેની અંતિમ ફિલ્મ ‘જનનાયકન’ પોંગલના તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાદ વિજય કાયમી ધોરણે મેકઅપ ઉતારીને લોકોની સેવાના પથ પર આગળ વધશે.

આપણ વાંચો:  સોશિયલ મીડિયાએ 2025માં આ 5 સામાન્ય લોકોને રાતોરાત બનાવ્યાં સુપરસ્ટાર, જુઓ લિસ્ટ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button