
થલાપતિ વિજયની લોકપ્રિયતા કોઇ હોલિવૂડ સ્ટારથી કમ નથી, અને આ વાતનું અનુમાન સોશિયલ મીડિયા પર ફેન્સની દિવાનગીના વીડિયો જોઇને લગાવી શકાય છે. ગઇકાલે જ થલાપતિની લેટેસ્ટ ફિલ્મ ‘લિયો’ રિલીઝ થઇ છે અને ટ્રેલર રિલીઝથી લઇને ફિલ્મ સિનેમાઘરોમાં આવ્યા બાદ પણ ચાહકો થલાપતિ પર અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થયો હતો જેમાં લિયોનું ટ્રેલર જોઇને ચાહકોએ થિયેટરની ખુરશીઓ તોડતા જોવા મળ્યા હતા. હવે વધુ એક વીડિયો સામે આવ્યા છે જેમાં થલાપતિના ક્રેઝી ફેન્સ રસ્તા પર ચક્કાજામ કરી નારિયેળ ફોડતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા સાઇટ X પર સ્પાર્ક મીડિયા નામના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક લોકો થિયેટરની બહાર રસ્તા પર નારિયેળ તોડતા જોવા મળી રહ્યા છે. તેમની પાછળ વાહનોની લાંબી કતારો લાગી છે અને આ ગાંડપણના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. નવાઇની વાત તો એ છે કે પોલીસકર્મીઓ પણ ઉભેલા છે અને કોઇને સજા નથી કરી રહ્યા.
જો કે આ વીડિયો જોયા બાદ લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. પરંતુ લિયોના ફેન્સ આ લોકોને સપોર્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થલાપતિ વિજયની લિયો 19 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને આ ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં રૂ. 68 કરોડનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે અને વિશ્વભરમાં લિયોનું કલેક્શન 100 કરોડને પાર કરી ગયું છે. આ ફિલ્મમાં વિજય ઉપરાંત ત્રિશા કૃષ્ણન અને સંજય દત્ત મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.