કેન્સર સામે ઝઝૂમી રહેલા જુનિયર મહેમૂદની ઈચ્છા પૂરી થઈ, જૂનો મિત્ર મળવા આવ્યો

બોલિવૂડનો ફેમસ આર્ટિસ્ટ જુનિયર મેહમૂદ પેટના કેન્સર સાથે પોતાના જીવનની લડાઈ લડી રહ્યો છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન તેણે સુપરસ્ટાર જિતેન્દ્ર અને તેના બાળપણના મિત્ર અભિનેતા સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. આજે જીતેન્દ્ર તેમને મળવા આવ્યા હતા, જોકે પોતાના મિત્રની આ હાલત જોઈ તેમની આંખો ભીની થઈ હતી.
મળતી માહિતી અનુસાર ફિલ્મ વિવેચક અને લેખક ખાલિમ મહંમદએ ટ્વીટ કરી હતી જેમાં જૂનિયર મહેમૂદની બીમારી અને તેની હાલત વિશે જણાવવામાં આવ્યું હતું. જૂનિયર મહેમૂદ તેમના બિછાનેથી જૂના મિત્રો અભિનેતા જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને યાદ કરે છે અને તેઓ તેમને મળવા આવે તેવી ઈચ્છા વ્યક્ત કરે છે. આમ લખી તેમણે બન્ને અભિનેતાને જૂનિયર મહેમૂદની આ ઈચ્છા પૂરી કરવા વિનંતી કરી હતી.
આ ટ્વીટના જવાબમાં સચિન પિલગાંવકરની પુત્રી શ્રેયાએ જણાવ્યું કે તેના પિતા જુનિયર મહેમૂદના સંપર્કમાં છે અને તેમને મળવા પણ આવ્યા છે. આ સાથે જ પીઢ અભિનેતા જિતેન્દ્રના ફોટા પણ વાયરલ થયા છે. એક વાયરલ તસવીરમાં જિતેન્દ્ર, જુનિયર મહેમૂદની ખબર લઈ રહ્યા છે, અભિનેતા-કોમેડિયન જોની લીવર પણ તેની સાથે ઉભા છે. બીજામાં જિતેન્દ્ર મેહમૂદના માથા પર હાથ રાખીને ઊભો છે અને જોનીને કંઈક કહી રહ્યો છે. જુનિયર મહેમૂદને મળ્યા બાદ જીતેન્દ્ર પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હોય તેવું જોવા મળે છે.
જુનિયર મહેમૂદનું સાચું નામ નઈમ સૈયદ છે. તેણે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. મેહમૂદ એક સમયે ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તે ‘બચપન’, ‘ગીત ગાતા ચલ’, ‘કટી પતંગ’, ‘મેરા નામ જોકર’, ‘બ્રહ્મચારી’ અને અન્ય ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેની સાથે મિત્ર સચિન પિલગાંવકર પણ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. બંનેની જોડી ઘણી સફળ રહી હતી.