હિંદુ સંસ્કૃતિ જ બંગાળી સંસ્કૃતિનો પાયો: તસ્લીમા નસરીનના નિવેદન પર જાવેદ અખ્તરે શું આપી પ્રતિક્રિયા, જાણો?
મનોરંજન

હિંદુ સંસ્કૃતિ જ બંગાળી સંસ્કૃતિનો પાયો: તસ્લીમા નસરીનના નિવેદન પર જાવેદ અખ્તરે શું આપી પ્રતિક્રિયા, જાણો?

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નવરાત્રિની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવે છે, કારણ કે આ દિવસો દરમિયાન અહીં થતી દુર્ગા પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે. દુર્ગા પૂજાના આ ઉત્સવમાં ભાગ લેવા માટે જાણીતી હસ્તીઓ પણ પશ્ચિમ બંગાળના પંડાલમાં પહોંચતી હોય છે. તાજેતરમાં બાંગ્લાદેશની જાણીતી લેખિકા તસ્લીમા નસરીન પણ દુર્ગા પૂજામાં ભાગ લેવા માટે પશ્ચિમ બંગાળ પહોંચી હતી. દૂર્ગા પૂજામાં ભાગ લીધા બાદ તેણે એક નિવેદન આપ્યું છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

હિંદુ સંસ્કૃતિ બંગાળી સંસ્કૃતિનો પાયો છે

લેખિકા તસ્લીમા નસરીને એક્સ પોતાના દુર્ગા પૂજાના ફોટો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે “એમાં છૂપાવવાની કોઈ વાત નથી કે હિંદુ સંસ્કૃતિ જ બંગાળી સંસ્કૃતિનો પાયો છે, ભલે આપણે કોઈ પણ ધર્મ અપનાવ્યો હોય. રાષ્ટ્રીય ઓળખાણમાં ભારત સાથે જ જોડાયેલા છીએ. ભારતમાં હિંદુ, બૌદ્ધ, ઈસાઈ, મુસ્લિમ અને નાસ્તિકના પૂર્વજો લગભગ દરેક ભારતીય હિંદુ જ હતા.

તસ્લીમા નસરીને પોતાની એક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે જો કોઈ બંગાળી મુસ્લિમ પણ છે, તો તેની સંસ્કૃતિ અરબની નથી. તેની સંસ્કૃતિ બંગાળી છે, જે હિંદુ પરંપરાઓમાં ઊંડા મૂળિયા ધરાવે છે. ઢોલનો તાલ, સંગીત, નૃત્ય આ બંગાળની સંસ્કૃતિની આત્મા છે, તેને નકારવું એ પોતાને નકારવા સમાન છે.

બંગાળી સંસ્કૃતિ અરબ સાથે જોડાયેલી નથી

બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનના નિવેદનને ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે સમર્થન આપ્યું છે. સાથોસાથ લેખિકાના નિવેદનને લઈને એક્સ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. જાવેદ અખ્તરે એક્સ પર જણાવ્યું કે અમે અવધના લોકો બંગાળી સંસ્કૃતિ, ભાષા અને સાહિત્યનું સમ્માન કરીએ છીએ.

પરંતુ જો કોઈ ગંગા-જમુની સંસ્કૃતિની સુઘડતા અને ઉંડાણને સમજતું નથી, તો એ તેની ઉણપ છે. આ સંસ્કૃતિ અરબ સાથે જોડાયેલી નથી. ફારસી અને મધ્ય એશિયાઈ સંસ્કૃતિઓ પર આપણી પરંપરામાં ભળેલી છે, પરંતુ પોતાની શરતો પર. આમ પણ, ઘણા બંગાળી ઉપનામ ફારસીમાં જોવા મળે છે.

પહેલી સપ્ટેમ્બર, 2025ના પશ્ચિમ બંગાળની ‘વેસ્ટ બંગાલ ઉર્દૂ એકેડમી’ દ્વારા જાવેદ અખ્તરના એક મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જમીયત ઉલેમા-એ-હિંદ સહિતના સંગઠનોએ જાવેદ અખ્તરને લઈને આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. જાવેદ અખ્તર ઇસ્લામ સહિત દરેક ધર્મો અને તેના દેવતાઓનું અપમાન કરે છે. આવો આરોપ લગાવવામાં આવ્યો હતો. વિરોધ વકરતા જાવેદ અખ્તરના મુશાયરાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…દુર્ગાપૂજામાં સિતારાઓનો મેળોઃ એકદમ સિમ્પલ લૂકમાં આવેલી પ્રિયંકા ચોપરાએ બધાનું ધ્યાન ખેંચ્યુ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button