Viral Video: તનુશ્રી દત્તાએ ફરી નાના પાટેકર સહિત બોલીવૂડ સામે કર્યા ગંભીર આક્ષેપો | મુંબઈ સમાચાર

Viral Video: તનુશ્રી દત્તાએ ફરી નાના પાટેકર સહિત બોલીવૂડ સામે કર્યા ગંભીર આક્ષેપો

બોલીવૂડની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી તનુશ્રી દત્તાએ થોડા વર્ષો અગાઉ Me Too movement શરૂ કરી હતી અને જાણીતા અભિનેતા નાના પાટેકર સામે ગેરવર્તણૂકનો આક્ષેપ કરી બોલીવૂડ સહિત દેશને હચમચાવ્યો હતો. તેનાં આક્ષેપો બાદ બોલીવૂડમાં ઘણી અભિનેત્રી અને અન્ય મહિલાઓએ છેડછાડ અને જાતીય સતમાણીની ફરિયાદ કરી હતી. જોકે સમય જતા આ મુવમેન્ટ ધીમી પડી ગઈ ત્યારે હવે ફરી તનુશ્રી દત્તાનો એક વીડિયો વાયરલ થયો છે.

તનુશ્રીએ રડતા રડતા વીડિયો શૂટ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે તેને તેનાં ઘરમાં જ હેરાન કરવામાં આવી રહી છે. તે સતત પરેશાન થઈ રહી છે અને આ માટે તેણે નાના પાટેકર અને બોલીવૂડ માફિયાને જવાબદાર ઠેરવ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ તેણે મીડિયા સાથે વાત કરી છે અને વધારે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે બોલીવૂડમાં માફીયા ગેંગ ચાલે છે. જે રીતે તેમણે સુશાંતસિંહ રાજપૂતને હેરાન કર્યો અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી તેમ તેને પણ હેરાન કરવામાં આવી રહી છે. તેણે દાવો કર્યો છે કે જો મને કંઈ થાય તો તેની માટે જવાબદાર નાના પાટેકર રહેશે. તેણે આ મામલે પોલીસ પણ ઘરે બોલાવી હતી અને એકાદ બે દિવસમાં તે પોલીસ સ્ટેશન જઈ ઔપચારિક રીતે ફરિયાદ નોંધાવશે તેમ પણ તેણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ફરીથી નિશાન સાધ્યું, મલયાલમ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી વિશે કહ્યું કે…..

તનુશ્રીના આ વીડિયોએ બોલીવૂડમાં ફરી નવા વિવાદ અને ધમાસાણની શક્યતાઓ ઊભી કરી છે. ઘણી એવી ઘટનાઓ બને છે જેનાથી બોલીવૂડ વિવાદોમાં રહે છે. ખાસ કરીને જેમનું ફિલ્મી ફેમિલિ બેકગ્રાઉન્ડ ન હોય તેવા ઘણા કલાકારો પોતાની સાથે અન્યાય થયો હોવાનો, હેરાનગતિ થઈ હોવાની ફરિયાદો કરે છે. આમાંથી ઘણી ગંભીર સ્વરૂપની પણ છે.
મહારાષ્ટ્રના ઉપસભાપતિએ નોંધ લીધી

તનુશ્રીના વીડિયો બાદ મહારાષ્ટ્રના ઉપસભાપતિ નિલમ ગોરેએ કહ્યું કે ઘરેલું હિંસાનો મામલો ગંભીર છે. મહિલાઓ સાથે દેશમાં અત્યાચાર થઈ રહેલા છે. તનુશ્રીએ વીડિયોમાં કરેલા આક્ષેપોની મહિલા આયોગ પણ નોંધ લે તેમ તેમણે જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button