તન્મય ભટ્ટની 665 કરોડની નેટવર્થના દાવા પર ધમાલ: કોમેડિયને આપી જબરદસ્ત પ્રતિક્રિયા…

મુંબઈઃ જાણીતા હાસ્ય કલાકાર તન્મય ભટ્ટને લઈને ઘણી ચર્ચા થઈ છે. એક રિપોર્ટમાં તન્મય ભટ્ટની નેટવર્થ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં, તે સૌથી મોંઘા યુટ્યુબર્સની યાદીમાં ટોચ પર છે. આ રિપોર્ટ આવ્યા પછી તન્મય ભટનું નામ ચર્ચામાં છે, પરંતુ હવે તન્મયની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેને લોકો ખૂબ જ માણી રહ્યા છે.
તન્મય ભટનું નામ સૌથી લોકપ્રિય યુટ્યુબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સમાંના એક તરીકે જાણીતું છે, લોકોને તેમના વીડિયો પણ ખૂબ ગમે છે. તન્મય ઘણીવાર તેના વીડિયોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેની નેટવર્થને કારણે ચર્ચામાં છે. અહેવાલો મુજબ તન્મય કુલ ₹665 કરોડ (આશરે $1.6 અબજ)ની સંપત્તિ ધરાવે છે. તેને સૌથી ધનિક યુટ્યુબર તરીકે પણ લેબલ આપવામાં આવી રહ્યું છે.
આ રિપોર્ટ બહાર આવ્યા પછી, તન્મયે તેના પર ટિપ્પણી કરી અને લખ્યું, “ભાઈ, જો મારી પાસે આટલા પૈસા હોત, તો હું યુટ્યુબ પર સભ્યપદ ન વેચતો હોત.” તેણે હસતું ઇમોજી પણ મૂક્યું. જોકે, તન્મયની સાથે તેના ચાહકોએ પણ આ ઘટના માટે તેની મજાક ઉડાવવાની શરુ કરી. એક યુઝરે લખ્યું, “તન્મય ભાઈ, મારા મોઢા પર 10-20 કરોડ રૂપિયા ફેંકી દો નહીંતર રેડ પડશે.” બીજાએ લખ્યું હતું કે તન્મય યુટ્યુબર્સનો કરણ જોહર બની રહ્યો છે.
તન્મય ભટની વાત કરીએ તો તે તેના કોમેડી, પોડકાસ્ટ અને કોલૅબોરેશન માટે જાણીતો છે. તેની બહોળી ફેન ફોલોઇંગ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર તેના કન્ટેન્ટ ખૂબ જ લોકપ્રિય છે, અને ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. નેટવર્થ રિપોર્ટમાં તન્મય ભટ્ટની સાથે સમય રૈના અને કેરીમિનાટીની નેટવર્થનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટ મુજબ સમયની કુલ સંપત્તિ ₹140 કરોડ છે અને કેરીમિનાટી ₹131 કરોડ છે.