શાહરુખ પ્રેમાળ તો સલમાન પ્રેરણાત્મક છે: તમન્ના ભાટિયાએ આવું કેમ કહ્યું?

મુંબઈ: તમન્ના ભાટિયા એક એવી અભિનેત્રી છે, જેણે સાઉથ તથા મુંબઈ એમ બંને ફિલ્મ ઈન્ડિસ્ટ્રીમાં પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. તેણે બંને ઈન્ડસ્ટ્રીના મોટાભાગના ટોચના અભિનેતાઓ સાથે કામ કર્યું છે. તાજેતરમાં તમન્ના ભાટિયાએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે પોતાના શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવો શેર કર્યા હતા.
સલમાન ખાન પ્રેરણાત્મક છે
છેલ્લા 20 વર્ષથી અભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. 2005માં તેણે ‘ચાંદ સા રોશન ચહેરા’ ફિલ્મથી પદાર્પણ કર્યું હતું. પરંતુ હજુ સુધી તેણે શાહરૂખ ખાન કે સલમાન ખાન સાથે એકપણ ફિલ્મ કરી નથી. પરંતુ આ બંને અભિનેતાઓ સાથે તેના કેટલાક યાદગાર કિસ્સાઓ જોડાયેલા છે.
આપણ વાંચો: કર્ણાટકમાં વિવાદનું કારણ બની તમન્ના ભાટિયા! હકીકત જાણી તમે પણ ચોંકી જશો
સલમાન ખાન Da-Bangg નામની ઇન્ટરનેશનલ ટુરનું આયોજન કરે છે. જેમાં સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિસ, દિશા પટની, તમન્ના ભાટિયા અને મનિષ પોલ જેવા કલાકારો સલમાન ખાન સાથે પર્ફોમન્સ કરે છે. આ ટુરમાં સલમાન ખાન સાથે થયેલા અનુભવ અંગે તમન્નાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “સલમાન ઘણો પ્રેરણાત્મક છે.
ટુરના પર્ફોમન્સ દરમિયાન જ્યારે તે ટેક રીહર્સલ કરી રહ્યા હતા, ત્યારે તે અઢી કલાક સુધી સ્ટેજ પર જ હતા. મ્યુઝિક વાગી રહ્યું હતું. બાકીના લોકો સ્ટેજ પર આવીને પોતાનું એક્ટ પૂરૂ કરીને ચાલ્યા જતા હતા.
પરંતુ સલમાન અઢી કલાક સુધી સ્ટેજ પર જ રહ્યા હતા. તેમણે આ કેવી રીતે કર્યું એની મને ખબર નથી. કારણ કે આટલા સમય સુધી સ્ટેજ પર સતત ઊભા રહેવા માટે ઘણી એનર્જીની જરૂર પડે છે.”
આપણ વાંચો: ફરી તમન્ના ભાટિયાએ આ કામ કરીને લૂંટી લીધી મહેફિલ, જાણો હવે શું કર્યું?
શાહરૂખ ખાને 200 લોકો સાથે ફોટો પડાવ્યો
તમન્ના ભાટિયાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં એડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તમન્નાએ શાહરૂખ ખાન સાથે પણ એક એડ શૂટ કરી હતી. તેના અનુભવો જણાવતા તમન્ના ભાટિયાએ જણાવ્યું હતું કે, “શાહરૂખ ખાન એ વ્યક્તિ છે, જેણે આપણને શિખવાડ્યું કે, પ્રેમ શું હોય છે.
મને યાદ છે કે, અમે એક એડ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. શાહરૂખ ખાને સેટ પર હાજર દરેક જણ સાથે ફોટો પડાવ્યો હતો. એ દિવસે સેટ પર લગભગ 200 લોકો હતા. શાહરૂખે દરેક સાથે ફોટો પડાવ્યો હતો.”