Happy Birthday: આ બે બોલીવૂડ અભિનેત્રીએ શૉ પિસ ન બનતા ભજવ્યા છે દમદાર પાત્રો…

આજકાલ ઘણી ફિલ્મો આવી રહી છે જે વુમેન સેન્ટ્રિક હોય છે અને સ્વાભાવિક રીતે તેમાં હીરોઈનોનું પાત્ર દમદાર હોય છે. પણ જો તમે બારીકાઈથી ધ્યાન આપ્યું હશે તો મોટાભાગની બ્લોક બ્લસ્ટર ફિલ્મોમાં હીરોઈન આજે પણ માત્ર શૉ-પિસ, ગ્લેમરસ અને ડાન્સ કરવા પૂરતી કે સ્વિમિંગ પુલમાં બિકની પહેરી ન્હાવા પૂરતી જ જોવા મળે છે.
ઘણી ફિલ્મોમાં હીરોઈનોને સ્પાય કે ફાઈટર બતાવવામાં આવી હોય તો પણ તેનાં અફેર્સ અને ગ્લેમરસ અંદાજ તો બતાવાયા જ છે અને તેને જ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. આવા સમયે માત્ર મજબૂત અને ગ્લેમરલેસ પાત્રો ભજવી બોલીવૂડમાં ટકી રહેનારી બે ટેલેન્ટેડ એક્ટ્રેસનો આજે જન્મદિવસ છે.
એક તો આપણા મહારાષ્ટ્રના ધુળેની મૃણાલ ઠાકુર અને બીજી રાજધાની દિલ્લીની સોફ્ટવેર એન્જિનિયર તાપસી પન્નુ. આજે 1લી ઑગસ્ટે આ બન્ને માનૂનીઓ પોતાનો જન્મદિવસ મનાવી રહી છે.

પહેલા વાત કરીએ તાપસી પન્નુની તો તાપસી આજે 38મો જન્મદિવસ મનાવી રહી છે. બેબી ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં આવેલી તાપસી અગાઉ તમિળ અને તેલુગુ ફિલ્મની સફળ હીરોઈન રહી ચૂકી હતી. અક્ષય કુમાર સાથેની ફિલ્મ બેબીમાં તેનો નાનો રોલ હોવા છતાં તે સૌની નજરમાં આવી અને પછી થપ્પડ, પિંક, ડંકી રૂટ, નામ શબાના, સુરમા, બદલા, હસીન દિલરૂબા જેવી ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મમાં અભિનય આપી ચૂકી છે.
બે ફિલ્મફેર જીતી ચૂકેલી તાપસી બેડમિંટન પ્લેયર અને કૉચ મેથિયાસ બોઈને પરણી છે. જોકે તાપસી પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ અલગ રાખે છે. તેણે 2023માં લગ્ન કરી લીધા હતા, પરંતુ બહુ ઓછા લોકોને જાણ હતી. 2024માં તેના લગ્ન વિશેની વાતો બહાર આવી હતી. હાલમાં તાપસી ગાંધારી ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
આ પણ વાંચો…તાપસી હવે બ્રાઈડલ ડ્રેસમાં જોવા મળી, તસવીરોએ પર મચાવી ધૂમ

તો હવે વાત કરીએ મૃણાલ ઠાકુરની. મહારાષ્ટ્રના ધૂળેમાં જન્મેલી મૃણાલે મુંબઈની કેસી કૉલેજનું ભણવાનું છોડી અભિનય પર ધ્યાન આપ્યું. ટીવી સિરિયલ અને મરાઠી ફિલ્મ બાદ તેણે લવ સોનિયા નામની ફિલ્મ કરી. આ ફિલ્મ માટે તે કોલકાત્તાના વેશ્યાગૃહોમાં જતી હતી કારણ કે ફિલ્મ બાળકોની તસ્કરીનો વિષય લઈ બની હતી. ત્યારબાદ રીતિક રોશન સાથેની તેની ફિલ્મ સુપર30 આવી અને હિન્દી ફિલ્મજગતમાં તે જાણીતી થઈ.
ત્યારબાદ બાટલા હાઉસ, રેડ, તુફાન, જર્સી જેવી ફિલ્મો તેણે કરી છે. આજે જ તેની અજય દેવગન સાથેની ફિલ્મ સન ઓફ સરદાર રિલિઝ થઈ છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે એક સમયે કામ ન મળતા તે નિરાશ થઈ ગઈ હતી અને નકારાત્મક વિચારો કરતી હતી, પણ પછી તેણે હિંમત કરી અને ધીમે ધીમે પોતાની કરિયર પોતાના દમ પર આગળ વધારી.
તો બન્ને માનૂનીઓને જન્મદિવસની શુભેચ્છા….
આ પણ વાંચો…પિંક લહેંગામાં પરી લાગી રહેલી એક્ટ્રેસે રેમ્પ વોક પર વિખેરી એવી અદાઓ કે…