Happy Birthday: માધુરી દીક્ષિત સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી આ સિંગરે

હેડિંગ વાંચીને તમને ધક્કો લાગે તો તે સ્વાભાવિક છે. કારણ કે 90ના દાયકામાં અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે લગ્ન કરવા મળે તો પોતાનું રજવાડું છોડી આવી જનારા હજારો યુવાનો હશે. અન્ડરવર્લ્ડથી માંડી ફિલ્મસ્ટાર અને ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ્સ તેજાબની મોહિનીના મોહપાશમાં જકડાયેલા હતા ત્યારે એવું કોણ હતું જેને માધુરીનો હાથ અને સાથ ન હતો જોઈતો. તો આ સિંગર પણ પોતાના ક્ષેત્રના ટોચના કલાકાર છે અને હિન્દી, મરાઠી સહિતની ભાષાઓમાં તેમણે ગાયેલા ગીતો આજેપણ એટલા જ લોકપ્રિય છે. આ સિંગરનું નામ છે Suresh Wadkar. આ નામ કાનમાં પડતા જ એય ઝિંદગી ગલે લગા લે…(સદમા) કે મેઘા રે મેઘા રે…(પ્યાસા સાવન) કે પછી તુમસે મિલ કે…(પુકાર) જેવા રેશમી ગીતો યાદ આવી જાય.

પદ્મશ્રી સુરેશ વાડેકરનો આજે જન્મદિવસ છે. 7 ઑગસ્ટ, 1955માં મુંબઈમાં જન્મેલા સુરેશ વાડેકરે 10 વર્ષની ઉંમરથી જ સંગીત શિખતા હતા. ધીમે ધીમે રૂચિ વધી અને તેમણે સિંગિંગને જ પોતાની કરિયર બનાવી. (Suresh Wadkar’s birthday) 1978માં સંગીતકાર જયદેવે ફિલ્મ ગમન માટે સિને મે જલન આંખો મે તુફાન સા ક્યો હૈ…ગીત સુરેશ વાડેકર પાસેથી ગવડાવ્યું અને ત્યારબાદ તેમણે એકથી એક ચડિયાતા ગીતો ગાયા અને લગભગ તમામ દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું. વાડેકર હવે તો ઘણું ઓછું ગાતા જોવા મળે છે, પરંતુ તેઓ મ્યુઝિક ઈન્સ્ટિટયયૂટ ચલાવે છે.

સુરેશ વાડેકર સાથે જોડાયેલો રોચક કિસ્સો જેની આપણે વાત કરી તે કંઈક આ પ્રમાણે છે. સુરેશ વાડેકરનું નામ ઘણુ ફેમસ થઈ ચૂક્યું હતું અને મરાઠીભાષી લોકોમાં તેમની એક આગવી ઓળખ હતી. વાડેકર પરિવારનું પણ નામ હતું. આ અરસામાં અભિનેત્રી માધુરી દીક્ષિત હજુ નવી સવી હતી, પરંતુ તેને પણ સંગીત અને નૃત્યમાં રૂચિ હતી. આ સમયમાં સુરેશ વાડેકરનો પરિવાર સુરેશ માટે છોકરી શોધી રહ્યો હતો. બન્ને પરિવારના કોમન મિત્રએ સુરેશ માટે માધુરીનું નામ સજેસ્ટ કર્યું. માધુરી અને તેનો પરિવાર પણ આ સંબંધ માટે તૈયાર હતો.

સુરેશ વાડેકરનો પરિવાર માધુરીની ઘરે આવ્યો અને સુરેશે માધુરી સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. (Madhuri Dixit)બન્ને મળ્યા, પણ પછી વાડેકર પરિવારે માધુરી દીક્ષિત સાથે લગ્નની ના પાડી દીધી. હવે તમને એમ લાગતું હોય કે માધુરીએ વાતચીતમાં એવું તો શું બાફી નાખ્યું હતું કે છોકરાવાળાએ ના પાડી દીધી તો તમને જણાવી દઈએ કે માધુરીને ના પાડવાનું કારણ કંઈક અલગ જ હતું. સુરેશ વાડેકરને માધુરી બહુ દુબલી-પતલી લાગી હતી અને તેથી તેમને આ સંબંધ આગળ વધારાવનું મન ન થયું, તેમ ફિલ્મી ગપશપ કરનારા કહે છે. ત્યારબાદ સુરેશ વાડેકરે ક્લાસિકલ સિંગર પદ્મા સાથે લગ્ન કર્યા. બન્નેને બે દીકરી છે. જ્યારે માધુરી ડો. નેનેને પરણી ગઈ અને તેને બે દીકરા છે.