સની દેઓલને શૂટિંગમાં મોડુ થતા ગોવિંદાને ખેંચી લાવ્યા, અને…
આમિર ખાન અને સલમાન ખાનની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ કોમેડીમાં કલ્ટ ક્લાસિક ગણાય છે. જ્યારે પણ આ ફિલ્મ જોઇએ ત્યારે પેટ પકડીને હસાવવામાં સફળ થાય છે. આમિર ખાન અને સલમાન ખાન ઉપરાંત ફિલ્મના તમામ કલાકારો રવિના ટંડન, કરિશ્મા કપૂર અને પરેશ રાવલની કોમિક ટાઈમિંગને કારણે આ ફિલ્મે દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું છે.
હવે આ ફિલ્મનો એક સીન વાયરલ થઈ રહ્યો છે, અને એ સીન પાછળની બેકગ્રાઉન્ડ સ્ટોરી પણ એક X યુઝરે તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જો તમે ફિલ્મ જોઈ હશે તો તમને પણ આ સીન ચોક્કસ યાદ હશે.
વિવાદો ગમે તે હોય પણ ગોવિંદાની કોમિક ટાઇમિંગનો હજુસુધી કોઇ જવાબ મળ્યો નથી. આ ગોવિંદા અને જૂહી ચાવલા વચ્ચેના આ સીનમાં ગોવિંદા માંડ થોડીક જ ક્ષણો માટે જોવા મળે છે પરંતુ ઓછા સમયમાં પણ તે બધી લાઇમલાઇટ લઇ જાય છે. ફિલ્મમાં તે જુહી ચાવલાને તેના પ્રેમ માટે મનાવવાનો પ્રયાસ કરે છે. આ નાનકડા સીનને ઇમ્પ્રોવાઇઝ કરીને ગોવિંદાએ તેને એટલો બનાવી દીધો હતો કે તેને જોયા બાદ હસવું રોકી ન શકાય.
આ સીનને સોશિયલ મીડિયા સાઇટ પર શેર કરતી વખતે X યુઝરે લખ્યું છે કે આ સીનમાં ગોવિંદાની જગ્યાએ સની દેઓલ આવવાનો હતો. પરંતુ તે સેટ પર સમયસર પહોંચી શક્યો નહોતો. તે સમયે ગોવિંદા નજીકમાં ક્યાંક શૂટિંગ કરી રહ્યો હતો. નિર્દેશક ગોવિંદાને ત્યાંથી ખેંચીને સેટ પર લઈ આવ્યા. તેમ છતાં ગોવિંદાએ કોઈપણ તૈયારી વિના આ સીન શૂટ કર્યો હતો. આટલું જ નહીં, તેણે ડાયલોગ્સની લાઇન પણ ઇમ્પ્રોવાઇઝ કરી અને તેને સીનમાં મૂક્યો. આ પોસ્ટ ઘણી વાઇરલ થઇ રહી છે અને ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે કે તેઓ આ સીનમાં ગોવિંદા સિવાય અન્ય કોઈની કલ્પના પણ કરી શકતા નથી.