ખતરનાક કાર સ્ટંટ દરમિયાન જાણીતા સ્ટંટમેન એસ એમ રાજુનું નિધન; સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક

ચેન્નઈ: ફિલ્મોમાં સ્ક્રિન પર લીડ એકટર્સ સ્ટંટ કરી લોકોનું મનોરંજન કરતા જોવા મળે છે, પરંતુ આવા સ્ટંટ પાછળના અસલી હીરો પડદા પાછળ કામ કરતા સ્ટંટમેન હોય છે. દક્ષિણ ભારતની સિનેમાના એક જાણીતા સ્ટંટપર્સન એસએમ રાજુનું શૂટિંગ દરમિયાન ફિલ્મના સેટ પર મોત નીપજતા (Stuntman SM Raju Died on set) ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
રવિવારે સવારે તમિલનાડુમાં પા રંજીત ( Pa Ranjith) દ્વારા દિગ્દર્શિત તમિલ સ્ટાર આર્ય(Arya)ની આગામી ફિલ્મ વેટ્ટુવન (Vettuvan) માટે કાર પલટવાની એક જોખમી સિક્વન્સના શૂટિંગ દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો જેમાં એસએમ રાજુનું મૃત્યુ થયું હતું. અભિનેતા વિશાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રાજુના મૃત્યુના ખબર આપ્યા છે.
દક્ષિણ ભારતના દિગ્ગજ દિગ્દર્શક પા. રંજીત તમિલનાડુના નાગાપટ્ટિનમમાં ‘વેટ્ટુવન’ ફિલ્મનું નું શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર સ્ટંટ કરતી વખતે એક અકસ્માત થયો. અગાઉ એવા સમાચાર વહેતા થયા હતાં કે હાર્ટ એટેકને કારણે એસએમ રાજુનું મૃત્યુ થયું. ત્યાર બાદ જાણવા મળ્યું કે સેટ પર થયેલા અકસ્માતમાં તેનું મોત નીપજ્યું.
ગાડી ઉછળી અને જમીન પર પટકાઈ:
સેટ પરથી એક વીડિયો પણ શેર કરવમાં આવ્યો છે, જેમાં ખતરનાક સ્ટંટ દરમિયાન થયેલો અકસ્માતના દ્રશ્યો જોવા મળે છે. જેમાં જોવા મળે છે કે સ્ટંટમેન રાજુ SUV ગાડી ચલાવી રહ્યો છે, ગાડી રેમ્પ પરથી પસાર થઈ અને ઉછળી, ત્યાર બાદ પલટીને આગળનો ભાગ જમીન પર અથડાયો. અકસ્માત થતા ક્રૂ મેમ્બર્સ ઝડપથી દોડીને ગાડી તરફ દોડ્યા.
એક્ટર વિશાલે દુખ વ્યક્ત કર્યું:
ફિલ્મના લીડ એક્ટર આર્ય અને દિગ્દર્શક પા. રણજીતે હજુ સુધી આ ઘટનાત અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જ્યારે એક્ટર વિશાલે X પર પોસ્ટ શેર કરી છે.
X પર પોસ્ટ શેર કરી અભિનેતા વિશાલે રાજુના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ મુશ્કેલ સમયમાં રાજુના પરિવારને મદદ કરવાનું વચન આપ્યું છે. તેમણે લખ્યું કે હું તેમને ઘણા વર્ષોથી ઓળખતો હતો, તેમણે મારી ફિલ્મોમાં ઘણા ખતરનાક સ્ટંટ કર્યા હતા. તેઓ એક બહાદુર માણસ હતા. તેમના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. તેમના પરિવારને દરેક શક્ય રીતે મદદ પણ કરીશ, આ મારી ફરજ છે.