Stree 2 Gujarati Review: રાજકુમાર અને શ્રદ્ધાની ફિલ્મ ફૂલ ટુ ધમાલ, પૈસા વસૂલ
ઘણા સમયથી બોલીવૂડ એક સુપરડુપર હીટની રાહ જોઈ રહ્યું છે. મોટા બેનરની ફિલ્મો પણ જોઈએ તેવો કમાલ કરી શકતી નથી ત્યારે બોલીવૂડ અને દર્શકો બન્ને માટે સારા સમાચાર એ છે કે સ્ત્રી-ટૂ તમને ડરાવવા ને સાથે સાથે પેટ પકડીને હસાવવા આવી રહી છે. સ્ત્રી જ્યારે રિલીઝ થઈ ત્યારે ધીમે ધીમે હીટ થઈ હતી અને અપેક્ષા કરતા વધારે જ દર્શકોને ગમી ગઈ હતી. બોલીવૂડ હોલીવૂડની જેમ હોરર ફિલ્મો બનાવતું નથી અને બનાવે છે તો તે ચીલાચાલુ હોય છે, એક્પરિમેન્ટ કરતું નથી. આ ફિલ્મે હોરર જોનરમાં પણ આવી મનોરંજક ફિલ્મ બની શકે તે સાબિત કર્યું અને તેથી તે લોકોને ગમી ગઈ.
હવે પાર્ટ ટૂ પણ સ્ક્રીપ્ટથી માંડી એક્ટિંગ અને ડિરેક્શનમાં ક્યાંય ઉણી ઉતરતી નથી. દિવાલો પર લખાયેલું ઓ સ્ત્રી તુ કલ આના સૌને યાદ જ હશે. સરકટા જબ વાપિસ આયેગા તો ક્યા કરેગા તે તો તમે ફિલ્મ જોશો ત્યારે જ ખબર પડશે. આ ફિલ્મ હોરર-સસ્પેન્સ હોવાથી તેની વાર્તા વિશે વિશે કોઈપણ જાતનો અણસાર આપી અમે તમારી મજા બગાડશું નહીં.
કેવી છે એક્ટિંગ અને કેવું છે ડિરેકશન
અગાઉ કહ્યું તેમ આ જોનરની ફિલ્મો ઓછી બનતી હોવાથી તેનો ખાસ કોઈ પ્રેક્ષકવર્ગ નથી, આથી નિર્દેશક અને વાર્તાકારે ધ્યાન રાખવાનું છે કે ફિલ્મ માસ અપીલ કરે. ડિરેક્ટર અમર કૌશિકે આ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે ને ફિલ્મના મિજાજને સાચવી દર્શકોને ખૂબ હસાવવાની કોશિશ કરી છે, જેમાં તે સફળ રહ્યા છે. એક્ટિંગ મામલે રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી વિશે કહેવાની જરૂર નથી. બન્ને કલાકારો પોતાના પાત્રમાં એવા તો ઘુસ્યા છે કે એક એક સિન અને ડાયલૉગ દર્શકો સુધી સીધો પહોંચે છે.
| Also Read: Stree 2: ફિલ્મ એડવાન્સ બુકિંગમાં મચી ધૂમ, બમ્પર ઓપનિંગ માટે તૈયાર
શ્રદ્ધા પાસેથી શાનદાર અભિનયની અપેક્ષા હતી અને તેણે પૂરી કરી છે. અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનરજીએ પણ ખૂબ જ સરસ કામ કર્યું છે. આ વખતે તમન્ના ભાટિયા અને વરૂણ ધવન પણ છે તેમણે પણ સ્ટોરી અનુરૂપ સારી ભૂમિકા ભજવી છે.
મુંબઈ સમાચાર રેટિંગઃ 4.5/5