National Awards 2025: રાની મુખર્જીએ નમન કર્યું સ્ટેજને, મોહનલાલે આપી ઈમોશનલ સ્પીચ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિભવન ખાતે National Awards 2025ના સમારંભમાં બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાન, રાની મુખર્જી, વિક્રાંત મેસીને નેશનલ એવોર્ડ તેમ જ સાઉથ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ ભવ્ય સમારોહમાં જ્યારે એસઆરકેનું નામ અનાઉન્સ થયું ત્યારે સૌએ હર્ષની ચીચીયારીઓ મારી હતી અને તાળીઓના ગડગડાટથી તેને વધાવ્યો હતો. એસઆરકેને કરિયરનો પહેલો નેશનલ અવોર્ડ ફિલ્મ જવાન માટે મળ્યો હતો. જોકે એસઆરકે સાથે પરિવાર દેખાઈ રહ્યો ન હતો.
તો બીજી બાજુ કત્થઈ અને ગોલ્ડન સાડીમાં સજજ રાણી મુખર્જીએ ભારતીય પરંપરા પ્રમાણે એવોર્ડ લેવા જતા પહેલા સ્ટેજને નમન કર્યું હતું અને પછી એવોર્ડ સ્વીકાર્યો હતો. રાની ખૂબ જ સાદી, પરંતુ સુંદર અને એલિગન્ટ દેખાઈ રહી હતી. સ્ટ્રેટહેર, મિનિમલ જ્વેલરી, મિનિમલ મેકઅપ અને સુંદર સિલ્ક સાડીમાં સજ્જ રાનીને પણ પહેલીવાર આ એવોર્ડ મળ્યો છે.
શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ શાહરૂખ સાથે વિક્રાંત મેસીને પણ મળ્યો છે. જ્યારે સાઉથ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે. એવોર્ડ લેતા સમયે મોહનલાલે કહ્યું કે આ ડ્રિમ કમ ટ્રુ મોમેન્ટ કરતા પણ ખાસ છે. ફિલ્મ મારી આત્મા છે.
આ સાથે ગુજરાતી ફિલ્મ વશને શ્રેષ્ઠ ફિલ્મ અને અભિનેત્રી જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ એનાયત થયો હતો. જાનકીએ વ્હાઈટ કલરનો શરારા પહેર્યો હતો અને આ એથનિક વેયરમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી.
નેશનલ એવોર્ડની થોડા સમય પહેલા જાહેરાત થઈ ચૂકી હતી, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં કલાકારોને ટ્રોફી અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમયે આઈટી ડિપાર્ટમેન્ટના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો…National Awards 2025: શાહરૂખ ખાન અને રાની મુખર્જીની પહેલી ઝલક આવી સામે