બોની કપૂર માટે નહીં, આ હીરો માટે શ્રીદેવીએ રાખ્યા હતા સાત દિવસ ઉપવાસ: જાણો કેમ ન કર્યા લગ્ન

મુંબઈ: શ્રીદેવીને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી મહિલા સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. પોતાના ફિલ્મી કરિયરમાં શ્રીદેવીએ હિંદી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કરીને દર્શકોના હૃદયમાં પોતાની જગ્યા બનાવી હતી. આ દરમિયાન શ્રીદેવીએ ઘણા એક્ટરને ડેટ કર્યા હતા. જોકે, શ્રીદેવીની સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથેની કેમેસ્ટ્રી રસપ્રદ રહી હતી.
શ્રીદેવીને કેમ પ્રપોઝ ન કરી શક્યા રજનીકાંત?
શ્રીદેવી અને રજનીકાંતની કેમેસ્ટ્રી અંગે ફિલ્મ પ્રોડ્યુસર બાલાચંદરે ખુલાસો કર્યો હતો. પોતાના એક ઇન્ટરવ્યુમાં બાલાચંદરે જણાવ્યું હતું કે, “શ્રીદેવી અને રજનીકાંત વચ્ચે ગાઢ સંબંધ હતો. તેમણે 20થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન તેમની વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી. ધીરેધીરે રજનીકાંતને શ્રીદેવી ગમવા લાગી હતી. જોકે, શ્રીદેવી તેમના કરતા 13 વર્ષ નાની હતી. તેમ છતાં રજનીકાંતે શ્રીદેવીને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું.”
આ પણ વાંચો : ‘જેલર 2’ની રિલીઝ ડેટ જાહેર: રજનીકાંતે કહ્યું આ તારીખના આવશે ફિલ્મ આવશે થિયેટરમાં
બાલાચંદરે આગળ જણાવ્યું હતું કે, “શ્રીદેવીએ એક ઘર ખરીદ્યું હતું. જેના ગૃહ પ્રવેશમાં રજનીકાંતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રીદેવીના ઘરે પહોંચેલા રજનીકાંતે આ દિવસે તેને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ શ્રીદેવીના ઘરે અચાનક લાઇટ ચાલી ગઈ હતી. જેને અપશુકન ગણીને રજનીકાંતે શ્રીદેવીને પ્રપોઝ કરવાનું માંડી વાળ્યું હતું.”
શ્રીદેવીએ રજનીકાંત માટે રાખ્યા ઉપવાસ
આખરે રજનીકાંતે 1981માં લતા રંગાચારી સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે શ્રીદેવીએ 1996માં બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. 2011માં રજનીકાંતની તબીયત બગડી હતી. ડિહાઈડ્રેશન અને થાકને કારણે રજનીકાંતને ચેન્નઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે રજનીકાંતના સારા સ્વાસ્થ્ય માટે શ્રીદેવીએ પૂણેના સાઈ બાબા મંદિરે જઈને પૂજા તથા પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત સાત દિવસના ઉપવાસ પણ રાખ્યા હતા.
આ પણ વાંચો : ધુરંધરની સફળતા પછી અક્ષય ખન્ના હવે નવા અવતારમાં જોવા મળશે, લૂક વાયરલ
શ્રીદેવી, તમારી યાદ આવશે
2018માં બાથટબ અકસ્માતને કારણે શ્રીદેવીનું નિધન થયું હતું. ત્યારે રજનીકાંતે શોક વ્યક્ત કરતા એક્સ પર લખ્યું હતું કે, “હું સ્તબ્ધ અને વ્યથિત છું. મેં એક પ્રિય દોસ્ત અને ઇન્ડસ્ટ્રીએ એક લીજેન્ડ વ્યક્તિ ગુમાવી છે. મારી સંવેદના તેમના પરિવારજનો અને મિત્રો સાથે છે. હું તેમની સાથે દુ:ખનો અનુભવ કરૂ છું. RIP શ્રીદેવી, તમારી બહુ યાદ આવશે.” ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે રજનીકાંત મુંબઈ પણ પહોંચ્યા હતા.



