બોલો, જાણીતી સેલિબ્રિટીઝ માટે બાળકોના નામ હટકે રાખવાનું રહસ્ય શું છે?

મુંબઈ: સામાન્ય રીતે માતા-પિતા તેના બાળકોના નામ તેનો કોઇ અર્થ થતો હોય તેવા અથવા તો ભગવાન કે પૌરાણિક કે ઐતિહાસિક પાત્રો પરથી રાખતા હતા. જોકે, હવે બી-ટાઉનમાં નવો ટ્રેન્ડ ચાલ્યો છે પોતાના બાળકોના હટકે નામ રાખવાનો અને આ ટ્રેન્ડ લગભગ બધા જ ન્યૂ જનરેશન મમ્મી-પપ્પા પણ કોપી કરી રહ્યા છે, પરંતુ આજના બોલીવૂડના કલાકારોને પોતાના બાળકોના નામ એકદમ હટકે અને ટ્રેડિશનલ રાખવાનો ટ્રેન્ડ જોવા મળે છે.

તો આપણે નજર નાંખીશું સેલિબ્રિટીઓએ રાખેલા પોતાના બાળકોના એટલે કે જનરેશન આલ્ફાના નામો ઉપર. તો આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે હજી આ જ અઠવાડિયે મમ્મી-પપ્પા બનેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું.
પંદરમી ફેબ્રુઆરીએ અનુષ્કા શર્માએ દિકરાને જન્મ આપ્યો જેનું નામ વિરુષ્કાએ અકાય રાખ્યું છે. આ નામ તદ્દન યુનિક છે અને ક્યારેય ન સાંભળ્યું હોય એવું પણ છે. આવા જ નામો જનરેશન આલ્ફાને જન્મ આપી રહેલા મોમ-ડેડ પસંદ કરી રહ્યા છે.
બીજું તેનું ઉદાહરણ છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. રણબીર અને આલિયાએ પોતાની દીકરીનું નામ રાહા રાખ્યું છે. રાહા નામ પણ એકદમ યુનિક છે, જ્યારે રાહા પણ સોશિયલ મીડિયા પર હંમેશાં છવાયેલી રહે છે.

સોનમ કપૂર અને આનંદ આહુજાએ પણ પોતાના દીકરાનું એકદમ અનોખું નામ વિચાર્યું છે. તેમના દીકરાનું નામ છે વાયુ. હવે વાયુનો અર્થ તો આપણને બધાને ખબર જ છે અને વાયુ તો હિંદુઓના દેવ પણ છે. પણ અત્યાર સુધી કોઇ માતા-પિતાએ આ પ્રકારનું નામ રાખ્યું હોય તેવું યાદ આવે એમ નથી.

જોકે, અમુક સેલિબ્રિટીઝ આજે પણ પારંપારિક નામો રાખવામાં માને છે. તેમાં કરીના કપૂર અને સૈફ અલી ખાનનો સમાવેશ થાય છે. બંનેએ પોતાના બંને દીકરાના નામ મુગલ શાસકોના નામ ઉપરથી રાખેલા છે. તેમના પહેલા દીકરાનું નામ છે તૈમુર જ્યારે બીજા દિકરાનું નામ જેહ છે, જે જહાંગીરનું શોર્ટ ફોર્મ હોવાનું કહેવાય છે.

બિપાશા બાસુ અને કરણ ગ્રોવરે તેમની દીકરીનું નામ દેવી રાખ્યું છે, જે સદીઓથી ભારતીય માતા-પિતા પોતાની દીકરી માટે પસંદ કરતા આવે છે. પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરીનું નામ માલતી મેરી ચોપરા રાખ્યું છે. આ નામ પણ એકદમ સરળ છે.