Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારને લોકોની સેવા કરવા રાજકારણી બનવાની જરૂર નથી
જ્યારે પણ કોઈ ફિલ્મસ્ટાર કે અન્ય ક્ષેત્રની વ્યક્તિ રાજકારણમાં ઝંપલાવે ત્યારે એક જ વાત કહે કે મારે લોકોની સેવા કરવી છે, તે માટે આ ક્ષેત્રમાં આવ્યો છું. હવેએ કહેવાની જરૂર નથી કે સેવા કેટલી અને કેવી થાય છે. પણ આજે એક એવા યંગ સુપરસ્ટારનો જન્મદિવસ છે, જેને લોકોની સેવા કરવા માટે રાજકારણી બનવાની જરૂર નથી. આ સુપરસ્ટાર છે મહેશબાબુ. સાઉથનો હેન્ડસમન અને સેલિબ્રેટેડ સ્ટાર દર વર્ષે દાન કરે છે અને બે ગામ તેણે દત્તક લીધા છે.
ટોલીવુડ એટલે કે દક્ષિણ સિનેમાના પ્રિન્સ કહેવાતા મહેશ બાબુનો આજે એટલે કે 9મી ઓગસ્ટે 49મો જન્મદિવસ છે. બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર મહેશ બાબુના પિતા કૃષ્ણા બાબુ તેલુગુ સિનેમાના સુપરસ્ટાર હતા, માતા વિજયા નિર્મલાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું હતું, પરંતુ મહેશ બાબુએ પોતાની આગવી ઓળખ બનાવી છે.
આજે તે સાઉથ સિનેમાના સૌથી ધનિક અને સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાં સામેલ છે. મહેશ બાબુનો ક્રેઝ એવો છે કે જ્યારે પણ કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવે છે અને ફૂલોના હાર પહેરાવવામાં આવે છે. તેમની ઘણી ફિલ્મોએ રેકોર્ડ બનાવ્યા છે.
આ પણ વાંચો: અભિનયના આખિરી મુગલ દિલીપકુમારનું ગુજરાતી કનેક્શન!
જોકે આપણે વાત કરવાના છે, તેમની દરિયાદિલીની. મહેશ બાબુ તેની વાર્ષિક આવકના 30% દાન કરે છે. મહેશ બાબુ ફિલ્મો, બિઝનેસ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અન્ય રીતોથી જે પણ કમાણી કરે છે, તેનો અમુક હિસ્સો તે જરૂરિયાતમંદોને દાનમાં આપે છે.
એટલું જ નહીં મહેશ બાબુએ બે ગામોને દત્તક પણ લીધા છે. મહેશ બાબુ તેમના ગામોમાં વીજળી અને પાણીથી લઈને લોકોની તમામ જરૂરિયાતોની જવાબદારી લે છે.
મહેશ બાબુની નેટવર્થ વિશે વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં તે 270 કરોડ રૂપિયાનો માલિક બની ગયો છે. તેની વાર્ષિક આવક 30 કરોડ રૂપિયા છે. તેમની પાસે જ્યુબિલી હિલ્સમાં લક્ઝરી હાઉસ છે, જેની કિંમત 30 કરોડ રૂપિયા છે. મહેશ બાબુનું પણ બેંગલુરુમાં કરોડોનું ઘર છે.
પરિવાર સાથે ખૂબ જ શાંતિથી જીવન ગાળતા મહેશ બાબુની પત્ની એટલે હિન્દી ફિલ્મોની હીરોઈન નમ્રતા શિરોડકર. તેણે આજે પતિના જન્મદિવસ પર એક ટ્વીટ કરી છે. એક નવું વર્ષ, એક અદ્ભુત વ્યક્તિ સાથે ઉજવવાનું અદ્ભુત વર્ષ. તારી સાથે જીવન એક બ્લોકબસ્ટર મૂવી જેવું છે. આપણે ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉજવણી કરતા રહીશું. મારા સુપરસ્ટાર, મારા સાથી અને મારા પ્રેમને જન્મદિવસની શુભેચ્છા.