Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારે જન્મદિવસે ફેન્સને આપી ગિફ્ટ

દક્ષિણ ભારતીય સિનેમાના અભિનેતા મોહનલાલની આગામી ફિલ્મ ‘L2: Empuraan’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્દેશક પૃથ્વીરાજ સુકુમારને અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.
મોહનલાલ દક્ષિણ ભારતીય સિનેમાના પીઢ અભિનેતાઓમાંના એક છે. આજે એટલે કે 21મી મેના રોજ તેઓ તેમનો 64મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાના ચાહકો જેટલી આતુરતાથી તેના જન્મદિવસની રાહ જોઈ રહ્યા હતા, તેટલી જ આતુરતાથી તેની આગામી ફિલ્મ ‘L2: Empuraan’ની પણ રાહ જોઈ રહ્યા હતા. અભિનેતાના જન્મદિવસના અવસર પર, દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારને તેમના જન્મદિવસ પર ચાહકોને નિરાશ કર્યા ન હતા અને આગામી ફિલ્મનું ફર્સ્ટ-લુક પોસ્ટર રિલીઝ કર્યું હતું.
Mohanlal એક સમયે કેરળ સ્ટેટમાં રેસલર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ અભિનેતા ઉપરાંત ડિરેક્ટર, સિંગર અને બિઝનેસમેન પણ છે. મોહનલાલે કરિયરમાં 400 ફિલ્મો કરી છે. એક સમય એવો હતો કે દર 15 દિવસે તેમની નવી ફિલ્મ રીલિઝ થતી. 1996માં તેમની એક વર્ષમાં 34 ફિલ્મ રીલિઝ થઈ અને તેમાંથી 25 સુપરહીટ સાબિત થઈ હતી. આ પણ એક રેકોર્ડ છે. પદ્મશ્રી અને પદ્મભૂષણ મેળવી ચૂકેલા મોહનલાલ પાંચ નેશનલ એવોર્ડ મેળવી ચૂક્યા છે. એક રસપ્રદ વાત એ છે કે મોહનલાલે ચાર મિત્રો સાથે મળી એક ફિલ્મ બનાવી હતી, પરંતુ તે એવી તો ફસાઈ કે 25 વર્ષ બાદ રીલિઝ થઈ. મોહનલાલ પહેલા એવા એક્ટર છે, જેમને આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ મળેલું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર HSCનું પરિણામ 2024 જાહેર…. છોકરીઓએ મારી બાજી
L2: Empuraan વર્ષ 2019માં રિલીઝ થયેલી Lucifer ટ્રાયોલોજીના સિક્વલ તરીકે આવી રહી છે. L2: Empuraanમાં મોહનલાલ ખુરેશી-અબરામ ઉર્ફે સ્ટીફન નેદુમપલ્લીની ભૂમિકામાં ફરી જોવા મળશે. નવા પોસ્ટરને જોઈને અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મની સિક્વલમાં પહેલા કરતા વધુ મહેનત કરવામાં આવી છે.
મોહનલાલને શુભેચ્છાઓ.