અજય દેવગણના ચાહકોને ઝટકો: 'સન ઓફ સરદાર 2' ની રિલીઝ ડેટ બદલાઈ, જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં! | મુંબઈ સમાચાર
મનોરંજન

અજય દેવગણના ચાહકોને ઝટકો: ‘સન ઓફ સરદાર 2’ ની રિલીઝ ડેટ બદલાઈ, જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં!

મુંબઈ: 2012માં આવેલી અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારે હવે 16 વર્ષ બાદ અજય દેવગન ‘સન ઓફ સરદાર 2’ ફિલ્મ લઈને આવ્યા છે. ‘સન ઓફ સરદાર’ ફિલ્મના ચાહકો ‘સન ઓફ સરદાર 2’ ફિલ્મની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 જુલાઈ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેની રિલીઝ ડેટ બદલવામાં આવી છે.

ક્યારે રિલીઝ થશે ‘સન ઓફ સરદાર 2’

‘સન ઓફ સરદાર 2’ ફિલ્મ અજય દેવગનના પ્રોડક્શન હાઉસ અને જીઓ સ્ટુડિયોસ હેઠળ બનેલી ફિલ્મ છે. ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

જીઓ સ્ટુડિયોસ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, “જસ્સી પાજી અને ટોલી તમને 1 ઓગસ્ટ 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં જોવા મળશે.” આ સાથે ફિલ્મની નવી રિલીઝ ડેટનું પોસ્ટર પણ મુકવામાં આવ્યું છે.

આપણ વાંચો: શ્યમ-3ની જાહેરાતઃ ફરી આવશે વિજય સલગાંવકર બનીને અજય દેવગન કે…

‘સન ઓફ સરદાર 2’ ફિલ્મની રિલીઝ ડેટ બદલવાને લઈને ઘણી અટકળો શરૂ થઈ છે. કેટલાક લોકો 18 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈયારા’ ફિલ્મને પણ રિલીઝ ડેટ બદલવાનું કારણ ગણાવી રહ્યા છે. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અહાન પાંડે અને અનિતા પડ્ડાની ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મે પહેલા જ દિવસે 20 કરોડની કમાણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, 2012માં 30 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ સન ઓફ સરદારે 161.48 કરોડની કમાણી કરી હતી. મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર ‘સન ઓફ સરદાર 2’ ફિલ્મ 150 કરોડમાં તૈયાર કરવામાં આવી છે.

‘સન ઓફ સરદાર 2’ ફિલ્મમાં અજય દેવગન સાથે મૃણાલ ઠાકુર, કુબ્રા સૈત, નીરુ બાજવા, સંજય મિશ્રા, રવિ કિશન, મુકુલ દેવ, વિંદુ દારાસિંહ જેવા ઘણા કલાકારો જોવા મળશે. તાજેતરમાં આ ફિલ્મની ટીમ ધ ગ્રેટ ઇન્ડિયન કપીલ શોમાં પણ પહોંચી હતી. જેમાં તેમણે કપીલ શર્મા, સુનિલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા સહિતના કાલાકારો સાથે મજાક – મસ્તી કરી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button