મનોરંજન

સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાંથી રજા મળી: હવે ક્યારે થશે સ્મૃતિ અને પલાશના લગ્ન?

સાંગલી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલ હાલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ કપલ જ્યારે ધામધૂમથી પોતાના લગ્નની ઘડીઓ તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત લથડી હતી. પરિણામે તેઓને સાંગલીની સર્વહિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિને કારણે સ્મૃતિ મંદાના અને પલાશ મુચ્છલે પોતાના લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે શ્રીનિવાસ મંધાનાના સ્વાસ્થ્યને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે.

શ્રીનિવાસ મંધાનાની તબિયત સ્થિર

23 નવેમ્બરના રોજ સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ લગ્નગ્રંથીમાં બંધાવાના હતા. પરંતુ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત લથડી હતી. અચાનક હાર્ટ એટેકના લક્ષણોને કારણે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે શ્રીનિવાસ મંધાનાની તબિયત સ્થિર છે. તેથી 25 નવેમ્બરની સવારે તેઓને સર્વહિત હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલના તબીબોએ પુષ્ટિ કરી છે કે, તેમની હાલત હવે સંપૂર્ણપણે સ્થિર છે અને તેઓ હૃદય રોગના જોખમથી બહાર છે. ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી એન્જીયોગ્રાફીમાં પણ કોઈ સમસ્યા જોવા મળી નથી, જેના કારણે મંધાના પરિવારને મોટી રાહત મળી છે.

પલાશ મુચ્છલ બન્યો તણાવનો શિકાર

સ્મૃતિ મંધાનાના પિતાની નાદુરસ્ત તબિયત અને લગ્ન મુલતવી રહેવાના તણાવના કારણે વરરાજા પલાશ મુચ્છલને પણ મુંબઈની SRV હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પલાશની માતા અમિતાએ દીકરાના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે, “પલાશને અંકલ(સ્મૃતિના પિતા) સાથે વધારે લગાવ હતો. સ્મૃતિથી વધારે તેઓ એકબીજાની વધુ ક્લોઝ હતા. જ્યારે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું ત્યારે સ્મૃતિના પહેલા પલાશે નક્કી કર્યું કે, મારે હમણા લગ્ન કરવા નથી. જ્યાં સુધી અંકલ સાજા થઈ જાય નહીં.”

તેમણે આગળ જણાવ્યું હતું કે, “હલ્દીની રસમ બાદ અમે તેને બહાર જવા દીધો ન હતો. રડતા રડતા એકદમ તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેને ચાર કલાક હોસ્પિટલમાં રાખવો પડ્યો હતો. તેના ECG સહિતના કેટલાક રિપોર્ટ કઢાવવામાં આવ્યા, જે નોર્મલ હતા, પરંતુ તે સ્ટ્રેસમાં છે. અમે તેને મુંબઈ લઈ આવ્યા છીએ. તે હવે પહેલા કરતા વધારે સ્વસ્થ છે અને આરામ કરી રહ્યો છે, પરંતુ ચિંતામાં છે. પલક પણ સાંગલીથી પાછી આવી ગઈ છે.”

લગ્નની નવી તારીખ પર લોકોની નજર

ઉલ્લેખનીય છે કે, મંધાના પરિવાર હાલમાં રાહતનો શ્વાસ લઈ રહ્યો છે. શ્રીનિવાસ મંધાનાના સ્વસ્થ થયા બાદ હવે બધાની નજર સ્મૃતિ અને પલાશના લગ્નની નવી તારીખ પર છે. પરંતુ લગ્નની નવી તારીખ કે આ અંગેના કોઈ અન્ય અપડેટ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અગાઉ સ્મૃતિ મંદાનાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હલદી, મહેંદી, સંગીતના ફોટો હટાવી દીધા છે. જેને લઈને સોશિયલ મીડિયામાં અનેક અટકળો વહેતી થઈ છે.

આ પણ વાંચો…લગ્ન મોકૂફ રાખ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ભર્યું ચોંકાવનારું પગલુંઃ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી લગ્નની પોસ્ટ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button