
સ્મૃતિ ઈરાની ફરી એકવાર ટીવીના પડદે પદાર્પણ કરવા જઈ રહ્યા છે. સ્મૃતિ ઈરાનીએ “ક્યુંકી સાસ ભી કભી બહુ થી”માં તુલસીની યાદગાર ભૂમિકા ભજવી હતી. હવે તેઓ એ જ તુલસીના પાત્ર સાથે પોતાના આઇકોનિક શો “ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2″માં પાછા ફરવાના છે. સ્મૃતિ ઈરાનીના ચાહકોમાં તેમને તુલસીના પાત્રમાં જોવા માટે આતૂર છે. પરંતુ “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” ટીવી સિરિયલ સિવાય પણ સ્મૃતિ ઈરાનીએ બીજી અનેક ટીવી સિરિયલમાં અભિનય કર્યો હતો. જો તમે સ્મૃતિ ઈરાનીના ચાહક છો, તો તમારે આ અવશ્ય જાણવું જોઈએ.
સ્મૃતિ ઈરાનીએ પોતાના ટીવી સિરિયલમાં અભિનયના કરિયરની શરૂઆત 2000ના વર્ષમાં ‘આતિશ’ અને ‘હમ હે કલ આજ ઔર કલ’ સાથે કરી હતી. આ બંને ટીવી સિરિયલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી હતી. ત્યારબાદ એકતા કપૂરે સ્મૃતિ ઈરાનીને “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” ટીવી સિરીયલમાં તુલસી વિરાણી તરીકે મુખ્ય પાત્રની ભૂમિકા ભજવવાનો મોકો આપ્યો હતો. જેણે સ્મૃતિ ઈરાનીનું ભાગ્ય બદલી નાખ્યું હતું. આ સિરીયલ 8 વર્ષ સુધી ચાલી હતી.

સ્મૃતિ ઈરાનીના બહુ ઓછા ચાહકો જાણતા હશે કે સ્મૃતિ ઈરાનીએ માતા સીતાનું પાત્ર પણ ભજવ્યું હતું. ઝી ટીવી પર 2001ના વર્ષમાં ‘રામાયણ’ સિરિયલ પ્રસારિત થતી હતી. જેમાં સ્મૃતિ ઈરાની માતા સીતા તરીકે જોવા મળી હતી. 2006 થી 2007 દરમિયાન “થોડી સી ઝમીન ઔર થોડા સા આસમાન” સિરિયલમાં પણ સ્મૃતિ ઈરાનીએ ઉમા નામના પાત્રની એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સોની ટીવી પર 2007 અને 2008 વચ્ચે ‘વિરૂદ્ધ: હર રિશ્તા કા કુરુક્ષેત્ર’ સિરિયલ આવતી હતી. જેમાં સ્મૃતિ ઈરાનીએ વસુધા શર્માનું પાત્ર ભજવ્યું હતું. 2009 થી 2010 દરમિયાન સબ ટીવી પર મણિબેન.કોમ નામની એક સિરિયલ આવતી હતી. જેમાં સ્મૃતિ ઈરાનીએ મણિબેનનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ સિવાય 2007 થી 2009 દરમિયાન ઝી ટીવી ચેનલ પર “તીન બહુરાનિયા” નામની ટીવી સિરિયલ આવતી હતી. જેના 2008 થી 2009 દરમિયાન પ્રસારિત થયેલા એપિસોડમાં સ્મૃતિ ઈરાનીએ વૃંદા સુમિત દેસાઈનું પાત્ર ભજવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 2003માં સ્મૃતિ ઈરાની ભાજપમાં કાર્યકર્તા તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેમને ભાજપ સંગઠન દ્વારા જુદીજુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. 2011માં તેઓને ગુજરાતથી રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 2019માં તેમણે અમેઠી લોકસભા બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા અને કેબિનેટ પ્રધાન પણ બન્યા હતા.