સિરિયલના સેટ પર Z+ સુરક્ષા? રમુજી ઘટના સાથે પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહી આ વાત….

મુંબઈ: અભિનેત્રીમાંથી રાજનેતા બનેલાં અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2) ના સેટ પર પોતાની હાજરી દરમિયાન Z+ સુરક્ષા સાથે શૂટિંગ કરવાની અફવાઓનું ખંડન કર્યું છે. તેમણે આ સમાચારને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમને ખબર નથી કે આ અફવાઓ ક્યાંથી ફેલાઈ રહી છે.
અફવા સાંભળીને હસવું આવ્યું:
એક ઇન્ટરવ્યૂમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, આ સમાચાર સાંભળીને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ઈરાનીએ કહ્યું, “જ્યારે મારા વિશે આ સમાચાર ફેલાયા કે હું Z સુરક્ષાની કડક સુરક્ષા વચ્ચે શૂટિંગ કરીશ, ત્યારે હું ખરેખર આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. મને ખૂબ હસવું આવ્યું.”
આ વાતચીત દરમિયાન તેમણે સેટ પર બનેલી એક રમુજી ઘટના પણ વર્ણવી હતી. જ્યારે ઇન્ટરવ્યૂ માટે ટીમ આવી, ત્યારે એક છત્રીવાળો અચાનક તેમની પાસે છત્રી લઈને આવી ગયો. તેમણે કહ્યું, “દેખીતી રીતે, પ્રોડક્શન ટીમને લાગ્યું કે થોડી ઠાઠમાઠ બતાવવો જરૂરી છે. હું વિચારમાં પડી ગઈ, આ શું થઈ રહ્યું છે? મારી સાથે આવું પહેલા ક્યારેય નથી થયું.”
શું હતો Z+ સિક્યોરિટીનો મામલો?
ઉલ્લેખનીય છે કે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ના પહેલા એપિસોડના પ્રસારણ પહેલા, મે ૨૦૨૫ માં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્મૃતિ ઈરાનીને સેટ પર Z+ સુરક્ષા આપવામાં આવી છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા પ્રોટોકોલના ભાગરૂપે સેટ પર હાજર તમામ લોકોના મોબાઇલ ફોનની ટેપિંગ કરવામાં આવશે અને તેમને મોબાઇલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સિરિયલનાં સેટથી આવ્યા રાજનીતિના સેટ પર
સ્મૃતિ ઈરાનીએ વર્ષ ૨૦૦૦માં શરૂ થયેલી અને ૨૦૦૮માં સમાપ્ત થયેલી સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ થી અભિનેત્રી તરીકે દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. આ શોનો બીજો સીઝન ૨૯ જુલાઈના રોજ શરૂ થયો છે. અભિનય બાદ તેમણે રાજકારણમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો અને ૨૦૦૩ માં ભાજપમાં એક કાર્યકર્તા તરીકે જોડાયા.
તેઓ ૨૦૧૪ થી ૨૦૧૬ સુધી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રહ્યા, ત્યારબાદ તેઓ કેન્દ્રીય કાપડ પ્રધાન બન્યા. ૨૦૧૯ માં તેમને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…સ્મૃતિ ઈરાનીએ કેમ છોડી ક્યોં કી સાસ ભી કભી બહુ થી સિરીયલ, કર્યો ચોંકાવનારો ખુલાસો…