અક્ષય કુમાર ફરી આવ્યો રિયલ સ્ટોરી સાથેઃ સ્કાય ફોર્સનું ટ્રેલર લૉંચ
એક સફળ ફિલ્મ માટે તરસી રહેલા અક્ષય કુમારને 2024માં તો સફળતા ન મળી ત્યારે હવે 2025ની તેની પહેલી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’નું ટ્રેલર લૉંચ થયું છે. મુંબઈમાં ટ્રેલર લૉંચ વખતે અક્કી સાથે સૌનું ધ્યાન નવા અભિનેતા વીર પહાડીયા તરફ પણ ગયું હતું. ફિલ્મમાં અક્ષય અને વીર એરફોર્સ ઓફિસર તરીકે જોવા મળશે.
ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધની પુષ્ઠભૂમિ સાથે બની છે. અક્ષય અને વીર એરફોર્સમાં ઓફિસર છે અને પાકિસ્તાન પર હુમલો બોલી દે છે. હુમલામાં વીર ગાયબ થઈ જાય છે, યુદ્ધ ઉપરાંત વીરને શોધવાની વાર્તા પણ આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. સારા અને નિમરત કૌર સાથે શરદ કેળકર પણ ફિલ્મમાં જોવા મળશે.
આપણ વાંચો: કંઇક આ રીતે આપી અક્ષય કુમારે પત્નીને જન્મ દિવસની શુભેચ્છા
જોકે ભારત પાકિસ્તાનના યુદ્ધ પર ઘણી ફિલ્મો આવી છે અને દર વખતે દેશપ્રેમથી ભરેલા ડાયલૉગ્સ સાથે આવતી હોય છે ત્યારે દિનેશ વિજનની આ ફિલ્મ કેટલી ચાલશે તે જાન્યુઆરીના અંતમાં ફિલ્મ રિલિઝ થશે ત્યારે જ ખબર પડશે.
અક્ષય કુમાર અને તેના ફેન્સ એક સારી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે અને અક્કીને એક સફળ ફિલ્મની જરૂર છે તે વાત નક્કી છે ત્યારે નવોદિત વીર પહાડીયા માટે પણ આ ફિલ્મ મહત્વની છે.